મહાત્મા ગાંધીજીની 150મી જયંતી નિમિત્તે – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે, પણ તેમની આત્મકથાનું સૌથી વધુ વેચાણ કેરળમાં થઈ રહ્યું છે. 

0
914

       ગાંધીજીનો જન્મ   પોરબંદર- ગુજરાતમાં થયો હતો, પરંતુ  ગુજરાત કરતાં વધુ અન્ય રાજ્યોમાં ગાંધીજીની આત્મકથાનું વધુ વેચાણ થાય છે. તાજેતરમાં અધિકૃત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીજીની આત્મકથા – મારા સત્યના પ્રયોગો પુસ્તકની સૌથી વધુ નકલો કેરળમાં વેચાઈ છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા નવજીવન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ધ સ્ટોરી ઓફ માય એક્સ્પરીમેન્ટસ વિથ ટ્રુથના મલયાલમ અનુવાદની 8 લાખ, 24 હજાર નકલો વેચાઈ છે. જયારે ગુજરાતી ભાષામાં 6 લાખ, 71 હજાર નકલોનું વેચાણ થયું છે. ગાંધીજીની આત્મકથા 1927માં પ્રકાશિત કરવામાં આવી હતી. નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે, મલયાલમ ભાષામાં અનુવાદિત કરાયેલી નકલો વધુ એટલા માટે વેચાઈ ગઈ છે કે કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ 100 ટકા છે. ભારતમાં સૌથી શિક્ષિત રાજ્ય કેરળ છે. આ કેરળ રાજ્યના લોકો વાંચવામાં રસ ધરાવે છે. કેરળમાં વાંચનની સંસ્કૃતિ છે. અહીં  કોલેજમાં જનારા વિધ્યાર્થીઓ પણ પુસ્તકના રસિયા છે. કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ તેમ જ પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં પુસ્તકો ખરીદતા હોય છે. ગાંધીજીની આત્મકથાનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. જેમાં આસામી, ઉડિયા, મણિપુરી, પંજાબી, કન્નડ, તમિલ, મલયાલમ તેમજ મરાઠી શામેલ છે. ગાંધીજીની આત્મકથા – મારા સત્યના પ્રયોગોનું કુલ વેચાણ છે 57 લાખ અને 74 હજાર નકલો. મહાત્માજીની આત્મકથાનો સંસ્કૃતમાં પણ અનુવાદ કરાયો છે. જમ્મુ- કાશ્મીરની ડોગરી ભાષામાં અને આસામની બોડો ભાષામાં આત્મકથાનો અનુવાદ પ્રકાશિત કરવાનું આયોજન નવજીવન ટ્રસ્ટ કરી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.