મહાગઠબંધનનો ‘શંભુમેળો’ અંધાધૂંધી કરશે?

0
808

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અભૂતપૂર્વ વિજય મેળવીને તમામ ગઠબંધનોને અવાક કરી દીધાં હતાં. કાશ્મીરના ઓમર અબદુલ્લાએ પ્રત્યાઘાત વ્યક્ત કરતાં કહ્યું હતું કે હવે 2019ની નહિ, 2024ની ચિંતા કરવાની છે! વિપક્ષોને ખાતરી છે કે નરેન્દ્ર મોદીને અત્યારે હટાવાય નહિ તો પછી આગામી પાંચ વર્ષમાં વિપક્ષો ઇતિહાસ બની જશે! કોંગ્રેસ માટે અને અન્ય પ્રાદેશિક પક્ષો માટે આ કદાચ આખરી ચાન્સ છે અને તેથી આખરી દાવ અજમાવવા માટે મહાગઠબંધનના પ્રયાસ થઈ રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે સૂત્ર આપ્યું છેઃ સંવિધાન બચાઓ, દેશ બચાઓ. હકીકતમાં માત્ર નરેન્દ્ર મોદીને હટાવવાના પ્રયાસ છે. ભૂતકાળમાં 1971માં અને 1972માં પણ તમામ વિપક્ષોએ ભવ્ય જોડાણ ગ્રાન્ડ એલાયન્સ કરીને સૂત્ર આપ્યું હતુંઃ ઇન્દિરા હટાઓ દેશ બચાઓ – પણ દેશની જનતાએ ગરીબોનાં બેલી ઇન્દિરા ગાંધીને સત્તા સોંપી હતી. અત્યારે વિપક્ષો દેશને નહિ, સૌ પોતાને બચાવવાની ચિંતામાં પડ્યા છે! પાવર પોલિટિક્સ છે – પીપલ્સ પ્રોગ્રેસની ચિંતા નથી!
વિપક્ષને શંકા છે કે ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોની ચૂંટણી લોકસભાની સાથોસાથ કરાવાશે, જેથી નરેન્દ્ર મોદીના નામે રાજ્યોમાં પણ સત્તા જાળવી લેવાશે! આવો નિર્ણય લેવાય તો પણ સંવિધાન અનુસાર નિર્ધારિત સમયમાં ચૂંટણી થશે. 1975માં ઇન્દિરાજીએ લોકસભાની મુદતમાં એક વર્ષનો વધારો કરીને ચૂંટણી ટાળી હતી – તે યાદ કરો.
વિપક્ષની છાવણીમાં મહાગઠબંધનની વાતો થાય છે, પણ આ ‘મહાશઠબંધન’ જેવો તાગ છે! કોઈ નેતાને બીજા ઉપર ભરોસો નથી! મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બદલવામાં આવ્યા છે અને સ્થાનિક નેતાઓને સૂચના આપવામાં આવી છે કે શરદ પવારના ભરોસે રહેવાય નહિ, રહેતા નહિઃ સાવધાન રહીને આગળ વધો. અત્યારે તો કોંગ્રેસ શરદ પવારને રાજી રાખવાના પ્રયાસ કરે છે. ગુજરાતમાં લોકસભાની બેઠકો આપવા પણ તૈયાર છે. શિવસેના ભાજપ ઉપર પ્રહાર કર્યા કરે છે કે કોંગ્રેસની નેતાગીરી વિના મહાગઠબંધન શક્ય નથી. આમ છતાં કોંગ્રેસને કહે છે – પવારથી સાવધાન! અને શરદ પવાર કહે છે ચૂંટણી પહેલાં મહાગઠબંધન શક્ય નથી – પરિણામ આવ્યા પછી થશે – (અર્થાત્ વડા પ્રધાનપદના દાવેદાર પછી નક્કી થશે) સીતારામ યેચુરી તો રાહુલજીના ચાણક્ય છે – કહે છે ચૂંટણી પછી વાત. બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ બન્ને અંદરખાને એક છે – એવો એમનો જાહેર આક્ષેપ છે! કર્ણાટકમાં દેવે ગૌડાને પણ કોંગ્રેસ ઉપર ભરોસો નથી. કેન્દ્રમાં અનુભવ થઈ ચૂક્યો છે. પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસનો ભરોસો નથી તેથી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને વધુ બેઠકો આપવા તૈયાર નહિ થાય. બીજી બાજુ કોંગ્રેસને ચિંતા છે કે પ્રાદેશિક પક્ષો તેના પગ બાંધી રાખશે અને રાજ્યોમાં કોંગ્રેસની સત્તા અને વગ ખતમ થશે. આ સંજોગોમાં મહાગઠબંધનનો શંભુમેળો અંધાધૂંધી કરશે એમ નિરીક્ષકો કહે છે.
હજી પ્રશ્ન છે કે ચૂંટણી પહેલાં મોરચો-મહાગઠબંધન કરવું? કે ચૂંટણી પછી? કારણ કે લોકસભા ત્રિશંકુ હોય તો ચૂંટણી પહેલાં મોરચાના પક્ષોેએ સમજૂતી કરી હતી કે નહિ? તેના આધારે સરકાર રચવાનું આમંત્રણ મળી શકે. વિપક્ષોની છાવણીમાં હજી આ અંગે સ્પષ્ટતા નથી. કેટલાક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને બહાર રાખીને ત્રીજો મોરચો ફેડરલ ફ્રન્ટ બનાવવા માગે છે જ્યારે કોંગ્રેસનો વ્યૂહ એવો છે કે ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા મળે તો પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની આગેવાની સ્વીકારીને યુપીએમાં જોડાશે. શિવસેના કોંગ્રેસ સાથે જાય એવી શક્યતા નથી છતાં કહે છે કે કોંગ્રેસની આગેવાની વિના વિપક્ષી એકતા શક્ય નથી. મમતા બેનરજીએ બેન્ગલોરમાં વિપક્ષો – પ્રાદેશિક પક્ષોના નેતાઓને ભેગા કર્યા. મમતાનો વ્યૂહ કોંગ્રેસ સાથે રહેવાનો છે અને માને છે કે તમામ પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ કરતાં પણ વધુ બેઠકો મળે તો વડા પ્રધાનપદ ઉપર કોંગ્રેસનો દાવો નહિ રહે. રાહુલ ગાંધીના સલાહકારોની ધારણા એવી છે કે એક વાર મોદી સરકાર જાય તો પછી અલ્પ સમય માટે ભલે કોઈ પ્રાદેશિક નેતા વડા પ્રધાન બની જાય. કોંગ્રેસના ટેકા વિના ટકી શકે નહિ, પ્રયોગ નિષ્ફળ જાય અને ફરીથી ચૂંટણી થાય ત્યારે કોંગ્રેસને બહુમતી મળી શકે. ભૂતકાળમાં ચંદ્રશેખર, દેવે ગૌડા આ રીતે કામચલાઉ વડા પ્રધાન બની ચૂક્યા છે.
કોંગ્રેસના જૂના સિનિયર નેતાઓ માને છે કે સોનિયા ગાંધી પ્રાદેશિક પક્ષોને મનાવી લેવામાં સફળ થશે. કર્ણાટકમાં મમતાની વિનંતીથી સોનિયા ગાંધી સક્રિય થયાં હતાં. રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા માટે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તથા મિઝોરમની ચૂંટણી જીતવી જરૂરી છે. વિધાનસભાઓમાં બહુમતી અને સત્તા મળે તો લોકસભાની 66 બેઠકો મેળવી શકે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની સ્વીકારવા પ્રાદેશિક પક્ષો તૈયાર થાય. આમ કોંગ્રેસ માટે રાજ્યોની સેમિફાઇનલ મહત્ત્વની છે પણ વડા પ્રધાન મોદી આ ચારે રાજ્યોની ચૂંટણી લોકસભાની સાથે જ કરાવે એવી શક્યતા પાકી છે. અને તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસે અન્ય પક્ષો સાથે વાટાઘાટ શરૂ કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખારગેને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે તેથી વિપક્ષના નેતા – વિધિસર રાહુલ ગાંધી બને તેવી શક્યતા છે – વિપક્ષી નેતા – વડા પ્રધાનપદના દાવેદાર ગણાય…
લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને વિપક્ષો સજ્જ થઈ રહ્યા છે. અત્યારે દેશભરમાં પવન બદલાયો હોય એવી છાપ ઊભી થઈ છે. ભાજપ-એનડીએ સરકાર સામે સંખ્યાબંધ સમસ્યાઓ અને પડકારો ઊભા થયા છે તેથી કોંગ્રેસ અને અન્ય પક્ષોને આશા જાગી છે કે નરેન્દ્ર મોદીને હટાવી શકાશે. અલબત્ત, આ વિપક્ષોની આશાનો આધાર સંજોગો છે અને સરકારની નિષ્ફળતાની ખાતરી લોકોને કરાવવામાં મિડિયાની મદદ મળી રહી છે. આ સામે વડા પ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ પાળ બાંધી રહ્યા છે. આર્થિક સુધારાના લાભ જનતા સુધી પહોંચ્યા હોવાની ખાતરી કરાવવાની છે. આક્ષેપોનો જવાબ નક્કર પુરાવાઓથી આપવાનો છે.
અત્યારે મુખ્ય પડકાર બન્ને છાવણીઓમાં સાથી-પક્ષો શોધવાનો છે. ભાજપ સાથે એનડીએમાં કેટલા ભાગીદાર પક્ષો છે? કેટલા રહેશે? અને કેટલા નવા આવશે? બીજી બાજુ યુપીએનો નવો અવતાર હશે? કે પછી કોંગ્રેસને અલગ રાખીને પ્રાદેશિક પક્ષોનો મોરચો આગળ આવશે? કોંગ્રેસનો મોરચો-યુપીએ હોય તો પણ તેના નેતા કોણ હશે? વડા પ્રધાનપદના દાવેદાર રાહુલ ગાંધી રહેશે? કે કામચલાઉ અન્ય નેતાને સમર્થન અપાશે? આ તમામ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે, પણ જવાબ તો ભાવિ સંજોગો કેવી રીતે સર્જાય છે તેના ઉપર આધાર રાખશે. વડા પ્રધાનપદની દાવેદારી ગમે તે કરી શકે છે, પણ વડા પ્રધાન કોણ બને તે જનતા નક્કી કરશે. રાષ્ટ્રપતિની ભૂમિકા ચૂંટણીનાં પરિણામ પછી શરૂ થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર-અનામત અને દલિત વર્ગના ન્યાયનો મુદ્દો હતો. રાહુલ ગાંધીએ સેક્યુલરવાદ બાજુએ રાખીને મંદિરો-દેવદર્શન શરૂ કર્યાં – ભાજપ સામે જ હળવા હિન્દુત્વનો પ્રયોગ કર્યો. આ પછી નરેન્દ્ર મોદીને પડકારી શકાય છે, તો હરાવી પણ શકાશે એવી આશા જાગી. કાળાં નાણાં વિરોધી અભિયાનમાં નોટબંધી આવી તેની અગવડ મતદારોએ ચલાવી લીધી. આ પછી જનતાનું જીવનધોરણ સુધારવા માટેની યોજનાઓનો અમલ શરૂ થયો અને ઐતિહાસિક સુધારો – જીએસટી આવ્યો – આવા કોઈ પણ સુધારા થાય ત્યારે શરૂઆતમાં અડચણ-મુશ્કેલીઓ પડે જ, પણ તે ઓછી પડે તેવી તૈયારી હોવી જોઈએ. જીએસટીના અમલમાં ટેક્નોલોજીની મુશ્કેલી ઊભી થઈ. આમ છતાં આર્થિક નિષ્ણાતોએ આવકાર આપ્યો છે અને વડા પ્રધાને પણ વધુ સુધારા કરીને સરળ બનાવવાની ખાતરી આપી છે. ઓક્ટ્રોય અને અફસરશાહીના ભ્રષ્ટાચાર સામે પાળ બાંધવાનો આ પ્રયાસ છે, પણ હવે તેમાં પણ રાજકારણ નડી રહ્યું છે. જીએસટી કાઉન્સિલમાં અવરોેધના સૂર ઊઠી રહ્યા છે. આ દરમિયાન પર્યાવરણ બચાવવા માટે મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકબંધી ફરમાવી અને કેટલા સુધારા કરવા આપ્યા? હજી ગૂંચવાડો ચાલુ જ છે અને સ્પષ્ટતા કરવા માટે રાજ્ય સરકાર હવે પ્રશ્નોત્તરી બહાર પાડશે!
વિપક્ષી રાજકારણ આક્ષેપ આધારિત છે અને તેથી આક્રમક છે. લોકોને ખાતરી કરાવવા માગે છે કે મોદી સરકાર નિષ્ફળ છે અને તેથી એનડીએના ભાગીદાર પક્ષો અલગ થઈ રહ્યા છે. વાસ્તવમાં ભાગીદાર પક્ષોને વધુ મોટો ભાગ ખપે છે તેથી અલગ થવાની ધમકી આપી રહ્યા છે. શિવસેનાની માગ વધુ બેઠકો અને વધુ સત્તાની છે. નીતિશ કુમાર ધારે તો અલગ થઈ શકે છે, પણ બીજા અથવા ત્રીજા મોરચામાં સ્થાન મળે? લાલુ યાદવના પાટવીકુંવરે તો સ્પષ્ટ કહ્યું છે કે નીતિશ માટે દરવાજા બંધ છે! આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુએ રાજ્ય માટે અલગ વિશેષ દરજ્જાની માગણી કરી, કારણ કે જગનમોહન રેડ્ડી સામે લડવાનું આ એક જ શસ્ત્ર છે. આ રાજ્યોમાં બેઠકોની સંખ્યા ઘટે તે પૂરવા માટે ઈશાન ભારતનાં રાજ્યો ઉપર આશા રખાય છે. ભાજપ સામે વ્યાપારી વર્ગ અને ખેડૂતોનો અસંતોષ અને વિરોધ વધી રહ્યો છે તેનો રાજકીય લાભ વિપક્ષોને મળી શકે એમ છે. નવમી ઓગસ્ટે દેશવ્યાપી – આંદોલન – જેલ ભરો થવાનું છે અને આંદોલનની સફળતા જોઈને પ્રાદેશિક પક્ષો એક મંચ ઉપર આવશે એવી ધારણા છે.
આ તમામ નકારાત્મક બાબતોને નરેન્દ્ર મોદી કેવી રીતે પહોંચી વળશે તે જોવાનું છે. શંભુમેળો અને શંભુ વચ્ચે પસંદગી જનતાએ કરવાની છે.

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.