મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મરાઠા અનામતને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી … 

 

      ભારતમાં અનામતની માગણી માટે અનેકવાર અનેક આંદોલનો કરવામાં આવ્યા છે. ઘણીવાર રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો કશાક દબાણ હેઠળ કે અન્ય કોઈ કારણથી લેવામાં આવ્યા હોય છે. બંધારણીય રીતે એ નિર્ણય કેટલો યોગ્ય કે અયોગ્ય છે  તે ન્યાયતંત્રના નિર્ણય દ્વારા જ નક્કી થાય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, હવે કોઈ પણ નવી વ્યકતિને મરાઠા અનામતના આધારે કોઈ નોકરી કે કોલેજમાં કોઈ સીટ આપી શકાશે નહિ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મરાઠા સમુદાયને અનામત કવોટા માટે સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત ગણી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને રદબાતલ કરીદીધો  હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મરાઠા અનામતનો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય કાયદાની સીમાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બનેલી ખંડપીઠે ઉપરોક્ત નિર્ણય લીધો હતો. જેમાં જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલનજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ ની પાંચ ન્યાયાધીશોની બનેલી ખંડપીઠે આ નિર્ણય લીધો હતો