મરચાં વિના સૂનો સંસાર

0
1225

ભોજનના દરેક સ્વાદમાં તીખાશનું ખાસ મહત્ત્વ છે. ભારતીય ભોજનમાં તીખી વાનગીનું વિશેષ મહત્ત્વ છે. આપણે ત્યાં ભોજનની શરૂઆત સ્વાદિષ્ટ ચટપટી વાનગીથી અને અંત ગળપણથી થતો હોય છે. ભારતમાં તો આક્રમક સ્વભાવની સ્ત્રીને પણ તીખા મરચાની ઉપમા આપવામાં આવી છે. ભારતીય ભોજનમાં વાનગીમાં તીખાશ લાવવા મરચું આધારસ્તંભ ગણાય છે. મરચાનો વઘાર કર્યા પછી ધમધમાટભરી સોડમ પ્રસરી જાય છે, જે ભૂખ ઉઘાડી દે છે.
આપણે જે મરચાને પ્રેમથી આરોગીએ છીએ તે મૂળ તો લેટિન અમેરિકન દેશની પેદાશ છે. પોર્ટુગલથી ભારતને શોધવા નીકળેલો ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે ભૂલથી અમેરિકા પહોંચી ગયો ત્યારે અમેરિકા ખંડની સાથે તીખાં મરચાં પણ શોધી કાઢ્યાં હતાં. ઈસુના જન્મના 5000 વર્ષ પૂર્વે પણ મેક્સિકોમાં મરચાની ખેતી કરવામાં આવતી હતી. આ મરચાને કોલંબસે જ પ્રસિદ્ધિ અપાવી છે. ભારત આવનારી પોર્ટુગલ પ્રજાની સાથે જ લાલ-લીલાં મરચાએ પણ ભારતમાં પગપેસારો કરી દીધો.
આજે મરચાની પેદાશમાં ભારત સૌથી મોખરે છે. ભારતમાં મરચાનું વાર્ષિક ઉત્પાદન લગભગ 80,000 ટનથી પણ વધુ છે, જેમાંથી 25,000 ટનની નિકાસનો અંદાજ છે. આખા દેશમાં મરચાની ખેતી થાય છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અગ્રેસર છે. વિશ્વમાં 200 પ્રકારનાં મરચાં ઉપલબ્ધ છે. મેક્સિકોમાં 100થી વધુ પ્રકારનાં મરચાંની ખેતી થાય છે. વિવિધ પ્રકારનાં 12 ઇંચથી લાંબાં અને પોણા ઇંચથી પણ ઓછી લંબાઈનાં મરચાં મળે છે. મરચાની ત્વચા (છાલ)માં પણ ચમકીલી, લીસી, ચીમળાયેલી, જાડી, પાતળી જોવા મળે છે. મરચાના આકાર પણ લાંબા, ચપટો, પહોળા, ગોળ, બેઠા ઘાટના, પાતળા, જાડા, અણિયાળા એમ વિવિધ જાતના છે. રંગમાં પણ વિવિધતા જોવા મળે છે. લાલ, લીલા, પીળા, કેસરી, ઘેરા કાળા અને મરુન રંગનાં મરચાં અલગ તરી આવે છે. રંગથી મરચાનો સ્વાદ પરખાતો નથી. કદ પ્રમાણે જ તેની તીખાશમાં ફેરફાર થતો રહે છે. નાના મરચામાં બિયાંની સંખ્યા વધુ હોવાથી લાંબા મરચા કરતાં તે તીખાશવાળા તેમાં રહેલા કેપસેઇન નામના આલ્કલોઇડ તત્ત્વને આભારી હોય છે. ભારતીય મરચામાં ઘેરા જાંબુડી રંગની રેડ બર્ડ્ઝ-આઇ ચિલી જે સામાન્ય ભાષામાં તેજસ્વિન તરીકે ઓળખાતાં સૌથી તીખાં ગણાય છે. ઘેરા લાલ રંગનાં કાશ્મીરી મરચાં અને ચપટા ઘાટનાં બોરિયાં મરચાંમાં માત્ર નામની જ તીખાશ હોય છે, જે સુશોભન માટે વપરાય છે. ગોવન મરચાં અને મદ્રાસી મરચાં રસોઈના ચટપટા સ્વાદ માટે વપરાય છે. બેથી અઢી ઇંચ લાંબાં, લાલ અને તીખા સ્વાદમાં પટણી અને પંડી મરચાં કદ, આકાર અને સ્વાદમાં એકસરખાં જ હોય છે. તીખાશ પણ મોઢામાં ઝમઝમાટ લાવી દે તેટલાં તીખાં હોય છે. પાતળાં છ ઇંચ લાંબા શંખેશ્વરી મરચાં તીખાં હોય છે. ફત્તેર સુરતી મરચાં પણ તીખાં જ હોય છે.


રેશમપટ્ટી મરચાં ગુજરાતી રસોડામાં લોકપ્રિય છે. આ મરચાની છાલ મીણ જેવી લીસ્સી હોય છે. આંધ્રના ગંટુર જિલ્લામાં થતાં તીખાં મરચાં પાઉડરના રૂપમાં મળે છે. કંડિલ અને ભાવનગરી મરચાનો લોટ અથવા મસાલો ભરીને અથવા તો ભજિયાં વધુ સ્વાદિષ્ટ લાગે છે.
મેક્સિકો એક એવો દેશ છે જેને મરચા પ્રત્યે ખાસ લાગણી છે. કલકતાની પ્રજા જેટલા પ્રેમથી મીઠાઈ આરોગે છે તેટલા જ પ્રેમથી મેક્સિકન પ્રજા તીખામાં તીખાં મરચાં આરોગે છે.
થાઇલેન્ડની પ્રજા પણ તેની વાનગી માટે પ્રીફ એટલે કે મરચાનો વધુ ઉપયોગ કરે છે. બડ્઱્ઝ આઇ તરીકે ઓળખાતાં થાઈ મરચાં વિશ્વમાં લોકપ્રિય છે. ચીનમાં થતા હાહોંગ કોચો મરચાં શેઝવાન વાનગી બનાવવામાં વપરાય છે.
જો ભૂલથી મરચું ખવાઈ જાય તો તેના ઉપર પાણી ન પીવું જોઈએ. પાણી પીવાથી તીખાશ મોઢા સાથે ગળા અને પેટમાં પ્રસરી જશે. એના કરતાં મીઠું, દૂધ, દહીં તથા કાકડી ખાવાથી મોઢાની દાઝી ગયેલી ચામડીને રાહત થશે. તીખી રસોઈથી એસિડિટી થાય છે, પણ તીખા સ્વાદના મરચામાં પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ગુણ પણ છે. લાલ ટમેટા કરતાં છ ગણું વધુ વિટામિન સી લીલા મરચામાં મળે છે. ફોલિક એસિડ હોવાથી ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ અનુસાર મરચા રક્તવૃદ્ધિકર અને પાચક છે. બાહ્ય ઉપચાર તરીકે માંકડનો નાશ કરવા, કૂતરું કે સાપ-વીંછીનો ડંખ જે જગ્યા પર હોય ત્યાં મરચાની ભૂકી ભરવાથી ઝેર બાળીને જખમ રૂઝવે છે. દારૂડિયાના ભ્રમ ઉપર તેનો ઉપયોગ થાય છે.
મરચાં ખાવ, ઘસઘસાટ ઊંઘો
મરચાં ખાવાનો એક ફાયદો એવો છે જેની હજી સુધી કોઈએ કલ્પના પણ નહિ કરી હોય. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ કરેલા એક સંશોધન પ્રમાણે અનિદ્રાની બીમારીથી પીડાતા લોકોને મરચાં ઉપયોગી થઈ શકે છે, કારણ કે મરચાં ખાવાથી ઊંઘ સારી આવે છે અને હૃદય પણ તંદુરસ્ત રહે છે.
તાસ્માનિયા યુનિવર્સિટીએ 18 મહિના સુધી 10 વ્યક્તિ પર સર્ર્વે કર્યો હતો. અને તેમને મરચા ખવડાવી હૃદય પર પડતી અસર તપાસી હતી. 10માંની કેટલીક વ્યક્તિઓને દરરોજ 15 ગ્રામ મરચાં ખવડાવ્યાં હતાં, જ્યારે બીજાને મરચા અપાયાં નહોતાં. જે લોકો મરચાં ખાતા હતા તેમની ઊંઘ સુધરી હતી અને રાત્રે ઘસઘસાટ સૂઈ જતા હતા. સારી ઊંઘને કારણે તેમના હૃદયને પણ ફાયદો થયો હોવાનું વિજ્ઞાનીઓએ જણાવ્યું છે.
લસણ ખાવાથી હૃદયને ફાયદો થતો હોવાનાં સંશોધનો અગાઉ થઈ ચૂક્યાં છે, પરંતુ મરચાંથી હૃદયને ફાયદો થતો હોય તેમ જ સારી ઊંઘ આવતી હોવાનું તારણ પ્રથમ વખત નીકળ્યું છે.
ત્રણેય સીઝનમાં મરચાની ખેતી થાય
ચરોતર એટલે કે ખેડા જિલ્લો તમાકુ માટે પ્રખ્યાત છે, પણ સમય બદલાતાં તમાકુના પાક સાથે ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ પણ વળ્યા છે. મરચાની બાગાયતી ખેતી દ્વારા ખેડૂતોએ વધુ આવક પણ ઊભી કરી છે.
એક ખેડૂતના જણાવ્યા અનુસાર એક વીઘામાં 4000 જેટલી મરચી રોપી પાક ચાલુ સીઝનમાં 100થી 150ની વેચાણ કિંમત મળે છે. ખૂબ જ માવજત માગી લેતી મરચાના પાકને 15 દિવસે દવાનો છંટકાવ કરવામાં આવે છે. એક વીઘાદીઠ 50,000 રૂપિયાની આવકનો અંદાજ હોય છે. આણંદ જિલ્લામાં આ રીતે ખેડૂતો મરચાના પાક તરફ વળ્યા છે.
મરચાં
સંસ્કૃતમાં મરચા માટે મરીચિકા શબ્દ છે. કન્નડમાં મરચાને મેણસિનકાયિ કહે છે. મલયાલમમાં મુળકું અને વટ્ટલ જેવા બે શબ્દો છે. તમિળમાં મરચા માટે મિળકાય જેવા શબ્દો વપરાય છે. તેલુગુમાં મિરપકાયે શબ્દ છે. ઓડિયામાં મરચાને લડ્કા કહે છે. અસમિયામાં મરચાં માટે જલકિયા શબ્દ છે, પણ ઉચ્ચારણમાં જાલોકિયા બોલાય છે. મરાઠી અને હિન્દીમાં મિર્ચ શબ્દ વપરાય છે. સિંધીમાં ગાઢામિર્ચ શબ્દ પ્રયોજાય છે. કાશ્મીરમાં મરચાં માટે બે શબ્દો છે. મર્ચુ અને વાંગુન. ઉર્દૂ અને પંજાબીમાં લાલ મિર્ચ શબ્દ છે. અંગ્રેજીમાં ચિલી શબ્દ છે. બંગાળીમાં ઓડિયાની જેમ લડકા શબ્દ છે.
મરચાંની કેટલીક ખાટીમીઠી વાતો
નાનકડા ગામમાં વસતા ગરીબ ખેતમજૂરના બપોરના ભોજનનું મેનુ શું? બાજરાનો રોટલો, છાસ અને લસણ-મરચાની ચટણી. ગરીબ ખેડૂતોનો આ ખોરાક વિટામિન અને જંતુમુક્ત ગુણોવાળો સંપૂર્ણ ખોરાક છે.
મરચાંની તીખાશ ઉપર અનેક ગુણો છે. કેપ્સિકમ તરીકે ઓળખાતા મરચાને કારણે શરીરમાંથી એન્ડારફિન્સ નામના રસાયણનો સ્રાવ થાય છે, જેથી શરીરમાં બનતાં કુદરતી પીડાશામક તત્ત્વો વધે છે અને એ રીતે નેચરલ પેઇન કિલર તરીકે કામ કરે છે. આ જ રીતે કેપ્સિકમમાં રૂટીન નામનું તત્ત્વ પણ છે. પેનિસિલીનના ઇન્જેક્શનની આડઅસર વર્તાય તો આવા મરચાનું શાક ફાયદાકારક નીવડે છે.
બંગાળમાં લાલ મરચાંને કોપરેલમાં ઉકાળીને વાળમાં ઘસવાનો રિવાજ છે. તેનાથી વાળ ખરતાં અટકે છે. તેજપુરમાં ડિફેન્સ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકો મરચાનાં અમુક તત્ત્વોને ટિયરગેસમાં વાપરવા માટેનું સંશોધન કરી રહ્યા છે. ડાયેટિશિયનોના મત મુજબ લીલા ઘોલર મરચામાં ખાટાં ફળો કરતાં બમણું વિટામિન ‘સી’ છે.
દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બોરિયા મરચાં આવે છે. તે લાલ બોર જેવાં હોય છે. સીંદરિયા, લીઠિયા, ઘોલર, રામોદિયા કે ગોંડલિયા મરચાં પણ આવે છે. કોલ્હાપુરી મરચાં બારીક અને એક વેંત લાંબા હોય છે. ગોમાંતક (ગોવા)ના મરચાં મોટાં ગોળ અને જાડી છાલવાળાં હોય છે.
ગુજરાતી ભાષામાં મરચાંની તીખાશને ધ્યાનમાં રાખીને લોકબોલીમાં કહેવતો સ્વરૂપે પણ મરચાને સ્થાન મળ્યું છે, જેમ કે, મરચું લાગવું, મરચા લેવાં, મીઠુંમરચું ભભરાવીને વાત કરવી વગેરે…