મમતા બેનરજીનો બંગાળમાં સપાટોઃ  આસામમાં ફરી ભાજપની સત્તાઃ કેરળમાં એલડીએફ

 

કોલકાતા, ચેન્નઇ, નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે રવિવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જંગમાં સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળન મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હરીફ પક્ષ ભાજપને કારમો પરાજય આપીને સતત ત્રીજી વખત સત્તા હાંસલ કરી છે. 

બીજી બાજુ ભાજપે આસામમાં સત્તા જાળવીને આબરૂ બચાવી લીધી છે. જોકે  અતિ મહત્ત્વના વધુ એક રાજ્ય તમિલનાડુમાં ભાજપે જે સત્તારૂઢ પાર્ટી એઆઇએડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું તેની નૌકા ડૂબી ગઇ છે. એમ. સ્ટાલિનની આગેવાની હેઠળ ડીએમકે અને સાથી પક્ષોએ એઆઇએડીએમકેના સૂપડાસાફ કરી દીધા છે. કેરળમાં ડાબેરીઓ ફરી વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પુડુચેરીમાં લોકોએ એઆઇએનઆરસીની આગેવાની હેઠળ એનડીએને સત્તાનું સુકાન આપવા તરફ મતદાન કર્યું છે.

કોરોનાની બીજી લહેર સાથે માર્ચ અને એપ્રિલમાં આ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી થઇ હતી. પશ્ચિમ બંગાળમાં જીત માટે ભાજપ અને ટીએમસીએ એડી-ચોટીનું જોર લગાવી દીધું હતું. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજીની ભાષણબાજી મામલે અનેક વખત વિવાદ પણ થયા હતા.

જોકે મમતા બેનરજીની ટીએમસી પશ્ચિમ બંગાળમાં પ્રચંડ દેખાવ કરીને ૨૧૪ બેઠકો મેળવી છે.  જોકે મમતા બેનરજી જે બેઠક પર ઊભા હતા તે નંદીગ્રામમાં શિવેન્દુ અધિકારી સામે હારી ગયા છે. મમતા બેનરજીનો ૧,૯૫૬ મતોની પાતળી સરસાઈથી પરાજય થયો હતો. ૨૯૨ બેઠકોના ગૃહમાં કોઇ પણ પક્ષને સરકાર બનાવવા માટે ૧૪૭ બેઠકો જોઇએ છે. જે તૃણમુલ કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે ૨૧૪ બેઠકો મેળવી લીધી છે.

કોરોનાના પ્રોટોકોલ્સનું આકરું પાલન કરીને મતોની ગણતરી કરાઇ હતી. રાજ્યમાં મમતા બેનરજીને પછાડવા માટે ભાજપની કેન્દ્રની આખી ટીમ કામે લાગે હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે. પી. નડ્ડા અને રાજનાથ સિંહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પ્રચારમાં જોડાયા હતા. પરંતુ તેમ છતાં ૭૬ બેઠકો પર જીતી શકી છે.

જોકે જાણવાની વાત એ છે કે એક વખત આ રાજ્યમાં ૩૫થી વધુ વર્ષો સુધી જે પક્ષનું શાસન હતું તે ડાબેરીઓને એક પણ સીટ મળતી દેખાતી નથી. મતોની ટકાવારી જોઇએ તો તૃણમુલ કોંગ્રેસને ૪૮.૧ તો ભાજપને ૩૭.૮ ટકા મતો મળ્યા છે.

પરંતુ બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના નામે તેમને ન ગમે તેવો એક ઇતિહાસ રચાઇ ગયો છે. ૩૫ વર્ષથી વધુ જે રાજ્ય પર તેમનું શાસન રહ્યું હતું ત્યાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એકપણ ખાતું ખુલ્યું નથી. જ્યોતિ બસુ, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જેવા દિગ્ગજ નેતાઓને જે માકપાએ ઠેર-ઠેર સ્થાપિત કરી દીધા હતા, આજે તેમનું નામ લેનાર પણ કોઇ નથી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ કોરોનાની ગાઇડ લાઇનને કારણે સાદાઈથી ત્રીજી વખત મુખ્યમંત્રીના શપથ લીધા હતા.

જોકે ભાજપને આસામમાં ફરી શાસનનો મોકો મળ્યો છે. ૧૨૬ વિધાનસભાની બેઠક પર તે ૭૫ સીટો મેળવીને પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને ૫૦ સીટોથી સંતોષ મેળવ્યો છે.

તમિલનાડુમાં સ્ટાલિનની પાર્ટીએ ભવ્ય દેખાવ કર્યો છે. તેને રાજ્યમાં કોંગ્રેસનું પણ સારું સમર્થન મળ્યું છે. ડીએમકે ૧૫૯ સીટો જીતી છે, જ્યારે ૨૩૪ બેઠકોની વિધાનસભામાં સત્તારૂઢ એઆઇએડીએમકેને ૭૫ સીટો મળી છે.

૩૦ બેઠકો ધરાવતી પુડુચેરીમાં ભાજપ સાથેના એનઆરસીને ૧૬ બેઠકો મળતી દેખાય છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન ૯ જ બેઠકો, અને અન્યોને ફાળે પાંચ સીટ છે.

ચૂંટણી પંચે વિજય સરઘસો, વાહનોની રેલીઓ કાઢવા અને ભીડ ભેગી થવા સામે પ્રતિબંધો મુક્યા છે, પરંતુ તે કાયદાની ઐસી-તૈસી કરીને લોકો માર્ગો પર દેખાયા હતા અને અનેક સ્થળોએ વિજયની ઉજવણી કરી હતી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે હિંસા ફાટી નીકળતા ૧૦ વ્યક્તિઓથી વધુએ જાન ગુમાવ્યા છે.

કેરળમાં સતત બીજી વખત સત્તા પર આવવાનો ડાબેરીઓનો રેકોર્ડ

કેરળમાં ડાબેરીની આગેવાની હેઠળનું ગઠબંધન એલડીએફ સતત બીજા કાર્યકાળ માટે તૈયાર છે. આમ ૧૪૦ સભ્યોની વિધાનસભામાં તે ૯૯ સીટો જીતી છે. કેરળમાં જે ખાસ મહાનુભાવ હાર્યા છે તેમાં તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મેટ્રોમેનથી ઓળખાતા ઇ શ્રીધરનનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી પક્ષોએ એક નવો ઇતિહાસ રચ્યો છે. કેરળમાં છેલ્લાં ચાર દાયકામાં કોઇ પણ પક્ષની સરકાર સતત બીજી વખત સત્તા પર રહેતી નથી. એકવખત ડાબેરીઓની આગેવાની તો બીજી વખત કોંગ્રેસના નેતૃત્વમાં સત્તાનું સુકાન રાજયને મળતું હતું. પરંતુ આ વખતે ડાબેરી પક્ષે સત્તામાં બીજી વખત આવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.