મફત શોર્ટકટ, શોર્ટસર્કિટ તરફ લઈ જાય છે: પ્રધાનમંત્રી મોદી

 

ઝારખંડ: શોર્ટકટનું રાજકારણ શોર્ટસર્કિટ તરફ લઈ જાય છે. દેશમાં ચૂંટણી વખતે અને ત્યાર પછી અનેક પક્ષો ઘણું બધું મફત વહેંચે છે. જે પક્ષો આ રીતે મફત આપવાનાં વચનો આપે છે, તેઓ એરપોર્ટ કે હોસ્પિટલ કે હાઈવે કેવી રીતે બનાવી શકે? આવા પક્ષોના શાસનમાં મેડિકલ કોલેજ પણ નહિ બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષશાસિત ઝારખંડના દેવધરમાં નવા એરપોર્ટ અને એઈમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી.

દેશમાં સૌથી ઓછાં વિકસિત અને ગરીબ રાજ્યો પૈકીના એક ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને સામાન્ય લોકોને અનેક સબસિડીઓ આપી છે. સોરેનને કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવના રાજદનું સમર્થન છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની જેમ ઝારખંડમાં પણ ખેડૂતો માટે દેવામાફી સિવાય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી અપાઈ રહી છે. આ ચૂંટણી વચન પણ હતું. આ અંગે આડકતરા ઉલ્લેખ કરીને પણ વડાપ્રધાન મોદીએ વિપક્ષોને આડે હાથ લીધા હતા.

વધુમાં તેમણે કહ્યું કે, મને એરપોર્ટની આધારશિલા મૂકવા માટે દેવધર આવવાની તક મળી અને આજે મેં તેનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલાં પરિયોજનાઓની જાહેરાતો કરાતી હતી. બે-ત્રણ સરકારો આવે અને જાય પછી આધારશિલા મુકાતી હતી. બે-ત્રણ સરકારો જાય પછી ઈંટો મુકાતી અને અનેક સરકારો પછી પરિયોજનાઓનો પ્રકાશ દેખાતો. આજે અમે એક કાર્યસંસ્કૃતિ, એક રાજકીય સંસ્કૃતિ અને એક શાસન મોડલ લઈને આવ્યા છીએ, જેમાં અમે એ દરેક યોજનાનું ઉદ્ઘાટન કરીએ છીએ, જેની અમે આધારશિલા મૂકીએ છીએ.

ઝારખંડમાં મફત વીજળીની અનેક લોકોએ ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર ટીકાકારો કહે છે કે આ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કે પંજાબ જેવાં સમૃદ્ધ રાજ્ય માટે ઉપલબ્ધ છે, પરંતુ ઝારખંડ આ પ્રકારની સબસિડી સહન નહિ કરી શકે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી હેમંત સોરેન પર સીધો હુમલો કરવાથી બચ્યા, પરંતુ તેમના પહેલાં કેટલાક નેતાઓએ સોરેનની જાહેરમાં ટીકા કરી. આ બાબત ઝારખંડ મુક્તિ મોરચા સાથે સંબંધો જાળવી રાખવાના કેન્દ્રના પ્રયાસ તરીકે જોવાઈ રહી છે