

મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરવાના હેતુસર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓની ટીમે રોબર્ટ વાઢેરાને અનેક પ્રકારના સવાલો પૂછીને એના જવાબો માગ્યા હતા. શનિવારના દિવસે દિલ્હીની અદાલતે વાઢેરાની જામીન અરજીને ફગાવી દીધા બાદ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ પર 16મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. અદાલતે વાઢેરાને આદેશ આપ્યો હતો કે, તેઓ તપાસના કાર્યમાં ઈડીને પૂરતો સહકાર આપે. . રોબર્ટ વાઢેરા પરદેશમાં ગેરકાનૂની સંપત્તિ રાખવાના સંબંધમાં મનીલોન્ડરિંગ સાથે સંકળાયેલા મામલામાં ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. વાઢેરાએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં તેઓ સંડોવાયા નથી. માત્ર રાજકારણને લીધે જ તેમની સાથે બદલો લેવાના આશયથી આ બધું કરવામાં આવી રહ્યું છે. ઈડીના જણાવ્યા અનુસાર, લંડનસ્થિત ફલેટને ભાગેડુ ડિફેન્સ ડિલર સંજય ભંડારીએ 16કરોડ અને 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર 65,900 પાઉન્ડની વધારાની રકમ ખર્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ 2010માં ભંડારીએ અગાઉની કિંમતથી જ ફલેટ વાઢેરાનો અંકુશ ધરાવતી કંપનીને વેચી દીધો હતો. આ અંગે ઈડી દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. મનીલોન્ડરિંગના કેસને કારણે રોબર્ટ વાઢેરાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભાજપના નેતાઓ આ મામલાને જાહેરમાં ખૂબ જ ચગાવે એવી શક્યતા છે. કોંગ્રસના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની હાલમાં જ નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવો અનિવાર્ય છે. આથી જ રાહુલ ગાંધીએ પ્રિયંકાને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ એવું માની રહ્યા છેકે રાહુલકરતાં પ્રયંકા ગાંધી કોંગ્રેસને વધુ ફાયદો કરાવી શકશે. પ્રિયંકાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે.રાહુલના વ્યક્તિત્વમાં પ્રભાવકતા નથી. કોંગ્રેસી નેતાઓ પ્રિયંકાને હુકમનો એકકો માને છે, એમાં રોબર્ટ વાઢેરાનું પ્રકરણ મુશ્કેલી -અંતરાય ના ઊભો કરે એવી સહુને અપેક્ષા છે