મતદારયાદીને આધારકાર્ડ સાથે જોડોઃ ચૂંટણી સુધારાની દિશામાં પહેલ

 

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે મંગળવારે ચૂંટણી સુધારાઓની દિશામાં સરકાર સાથે નવેસરથી પહેલ કરી છે. એમાં મતદારયાદીને આધાર સાથે જોડવા પેઇડ ન્યૂઝ અને બોગસ સોગંદનામાના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સભ્યપદ રદ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. 

ચૂંટણીપંચ તરફથી આવેલા બયાન અનુસાર વિધિ સચિવ જી. નારાયણ રાજુ સાથે મીટિગ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુમીલ અરોરા અને કમિશનર અશોક લવાસા તથા સુનીલ ચંદ્રએ મતદારયાદીને આધાર નંબર સાથે લિંક કરવા બાબતે ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં જ વિધિ મંત્રાલયને લખાયેલા પત્રમાં ચૂંટણીપંચે લોક પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. એમાં મતદારયાદીમાં સામેલ કરવા માટેની અરજી દરમિયાન તથા યાદીમાં પહેલાંથી રહેલા લોકો માટે આધાર નંબર ફરજિયાત કરવાનો પ્રસ્તાવ સામેલ છે. પ્રસ્તાવનો સ્વીકાર કરતાં વિધિ મંત્રાલયે ચૂંટણીપંચને આધાર ડેટાને સુરક્ષિત રાખવાના ઉપાયો કરવાનો આદેશ આપ્યો છે. પંચે ખોટા સોગંદનામા આપીને ચૂંટણી જીતનાર ઉમેદવારનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. ચૂંટણીપંચના અધિકારીઓ અને ૨૦ મુખ્ય ચૂંટણી પદાધિકારીઓની નવ સમિતિઓએ મંગળવારે વિભિન્ન મુદ્દાઓ પર પોતાની ભલામણો સોંપી દીધી છે. 

તેમાં ચૂંટણી આચારસંહિતા અને ચૂંટણીખર્ચનું મેનેજમેન્ટ પણ સામેલ છે. સમિતિઓની ભલામણો ગત લોકસભા ચૂંટણી અને હાલની અન્ય ચૂંટણીઓ પર આધારિત છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે સમિતિઓની ભલામણો પર ધ્યાન અપાશે. લોકોની પ્રતિક્રિયાઓ જાણવા માટે આ ભલામણોને જાહેર પણ કરવામાં આવશે