મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

 

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે. ગુ અંધકાર અને રુ પ્રકાશની યુતિ છે. આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. ગુરુ એ એવું સરોવર છે જેના સાન્નિધ્યમાં વ્યક્તિ ફક્ત જ્ઞાન જ નથી અર્જિત કરતો પણ જીવનમાં આવનાર મહત્ત્વના સમય વિશે અને એ સમયને કેવી રીતે પસાર કરવો એ વિશે પણ આત્મબળ પ્રાપ્ત કરે છે. ગુરુ હિંમત આપે છે કે કોઈપણ કસોટીથી ડરો નહીં એ તમારા સારા માટે થતી હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે અને રહેશે. ગુરુ તો જ્ઞાન – વિવેકથી છલોછલ ભરેલો ચરુ. એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ. કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન આચાર્ય જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીશ્રીની અધ્યક્ષતામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં મંદિરોમાં વૈદિક મંત્રોના શાંતિપાઠ સહ ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી. 

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે  વિશ્વમાંથી કોરોના દૂર થઈ જાય તે માટે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પૂજા કરી પ્રાર્થના કરી હતી. પ્રાર્થનામાં જે શક્તિ અદ્ભુત, અલૌકિક છે એ શક્તિ આજે કોઈ ટેક્નોકલોજીમાં જોવા મળતી નથી . સરકારશ્રીના નિયમો અનુસાર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યાં હતાં. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના તમામ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી.