મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે

0
795

 

 

સુરતઃ દેશમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતા સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરીયલ દેશ-વિદેશના ખૂણા ખૂણામાં જાય છે. પરંતુ મોટેભાગના લોકોને ખબર નથી કે સુરતમાં તૈયાર થતાં ભગવાનના વસ્ત્રો પણ દેશભરમાં પ્રખ્યાત છે. દેશમાં મોટાભાગના મંદિરોમાં તો સુરતમાં બનતા ભગવાનના વાઘા પહોંચે છે, પરંતુ સાથે સાથે વિદેશના મોટા મંદિરોમાં પણ ભગવાનના વાઘા સુરતથી જ લઈ જવાતા હોય છે. સુરતના કાપડથી ભગવાનના પરિધાન બનાવવામાં આવે છે. લંડન, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં આવેલા મંદિરોમાં ભગવાનની પ્રતિમાને જે પરિધાન પહેરાવવામાં આવે છે, તે સુરતથી જ મોકલવામાં આવે છે.

તિરૂપતિ બાલાજી, પંજાબના ગુરુદ્વારા, શિરડીના સાંઇબાબા, વૃંદાવન દેશના તમામ સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણોદેવી માતાને જે પણ પરિધાન અર્પણ કરવામાં આવતું હોય છે તે સુરતથી જાય છે. ધીમે ધીમે સુરત ધાર્મિક કાપડ બનાવવાનું એક હબ બની રહ્યું છે. સુરતના રીંગરોડ કાપડ માર્કેટમાં અનેક દુકાનોએ હવે ધાર્મિક આયોજનો અને ભગવાનના પરિધાનો રાખવાની શરૂઆત કરી દીધી છે. 

સુરતમાં વર્ષોથી ધાર્મિક પરિધાનોનો વેપાર કરનાર હરેશભાઈ લાલવાણીએ જણાવે છે કે, દેશભરના મોટા મંદિરો ઉપરાંત વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ગુરુદ્વારા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર તેમના ત્યાંથી કાપડ જતું હોય છે. વિદેશમાં રહેતા લોકોને આ કાપડ સસ્તું મળી જતું હોય છે. જેની કિંમત ૧૦૦ રૂપિયાથી લઇ ૩૦૦ રૂપિયા મીટર સુધીની હોય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ શિયાળાની સીઝનમાં માર્બલ કાપડના પરિધાનની ભગવાન માટે ખાસ ડિમાન્ડમાં હોય છે. અહીં દરેક પ્રકારના જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. ખાસ કરીને કેનેડા, અમેરિકા અને યુ.કે.માં રહેતા ભારતીય મૂળના લોકો આપણા પરિધાન મંગાવે છે. અનેક સ્થળે રો મટીરિયલ મોકલવામાં આવે છે. જ્યાં સ્થાનિક કારીગરો જરદોશની કારીગરી કાપડ પર કરે છે.