મંગળ પર જમીન સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે પાણીના ભંડાર

 

નવી દિલ્હીઃ મંગળ પર વસાહત સ્થાપવાનુ સ્વપ્ન જોઈ રહેલા પૃથ્વીવાસીઓ માટે એક સારી ખબર યુરોપિયન સ્પેસ એજન્સીએ આપી છે.

એજન્સીએ દાવો કર્યો છે કે, મંગળ ગ્રહ પર ગ્રાન્ડ કેનયોન વિસ્તારમાં પાણીનો મોટો જથ્થો મળી આવ્યો છે. પાણીનો વિશાળ ભંડાર જમીન સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે છે. આ વિસ્તારને વલ્લેસ મરીનર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક વિશાળ ખીણ વિસ્તાર છે જે ૩૮૬૨ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. તેનો આકાર યુરોપિયન દેશ નેધરલેન્ડ જેટલો છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, વલ્લેસ મરીનર્સનો મધ્ય ભાગ પાણીથી છલોછલ છે.આ પાણી અમારી અપેક્ષા કરતા પણ વધારે છે.ધરતી પર જે રીતે કેટલાક વિસ્તારો હંમેશા બરફથી છવાયેલા રહેતા હોય છે તે જ રીતે આ વિસ્તાર પાણીથી છલોછલ રહે છે.આ વિસ્તારમાં નીચા તાપમાનના કારણે પાણી બરફ સ્વરૂપે હંમેશા જમીનની નીચે રહે છે.

આ પહેલા અંતરીક્ષ એજન્સી નાસાએ પણ ૨૦૦૬માં તસવીરો જાહેર કરીને કહ્યું હતું કે, મંગળ પર પાણી હોવાનું પ્રમાણ મળેલુ છે. ૧૯૯૯થી ૨૦૦૧ની વચ્ચે લિકવિડ વોટર મંગળ પર મોજુદ હોવાનુ આ તસવીરોના આધારે સાબિત થયુ હતુ. ૨૦૦૮માં નાસાના ફોનિક્સ માર્સ લેન્ડરે પણ પૂરાવા આપ્યા હતા કે, મંગળ પર બરફ સ્વરૂપે પાણી મોજુદ છે. મંગળ ગ્રહ પર ઘણી સુકાઈ ચુકેલી નદીઓ છે અને એવુ અનુમાન છે કે, અહીંયા પહેલા પાણી વહેતુ હતુ.જોકે વૈજ્ઞાનિકોએ જે લેટેસ્ટ દાવો કર્યો છે તે પ્રમાણે સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે બરફ સ્વરુપે પાણી છે.જેના કારણે હવે લાલ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવા માટેના દાવાને વધારે બળ મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here