મંગળ પર જનારા શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું પરીક્ષણ સફળ

 

અમેરિકાએ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી અને સૌથી વજનદાર રોકેટ ફાલ્કન હેવી સાતમી ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક લોન્ચ કર્યુઁ હતું. નાસાના કેપ કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ નંબર 39-એ પરથી રોકેટ લોન્ચ થયું હતું. (ફોટોસૌજન્યઃ સ્પેસડોટકોમ)

વોશિંગ્ટનઃ અમેરિકાએ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી અને સૌથી વજનદાર રોકેટ ફાલ્કન હેવી સાતમી ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. નાસાના કેપ કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ નંબર 39-એ પરથી રોકેટ લોન્ચ થયું હતું. આ લોન્ચિંગ પેડ પરથી જ નાસાએ વર્ષો અગાઉ ચંદ્ર પર ગયેલા એપોલો મિશન અને પછી સ્પેસ શટલ લોન્ચ કર્યા હતા.
આ ઐતિહાસિક લોન્ચ પેડ પરથી ફાલ્કને ઉડાન ભરી ઇતિહાસ સર્જ્યો હતો. 14,20,788 કિલોનું તોતિંગ વજન હોવાથી આ રોકેટને ફાલ્કન હેવી નામ આપવામાં આવ્યું છે. આ રોકેટ અમેરિકી કંપની સ્પેસ-એક્સની માલિકીનું રોકેટ છે. સ્પેસ શટલની માફક રોકેટનું પણ લાંબા ગાળાનું આયોજન મંગળયાત્રાનું છે. આ રોકેટને મળેલી સફળતા મંગળપ્રવાસની દિશામાં મહત્ત્વનું પગલું ગણાશે.

આ રોકેટ અત્યંત ભારે હોવાના કારણે તેને ધરતીના ગુરુત્વાકર્ષણથી ઊંચું થવાની સફળતા મળી તે પણ મોટી સિદ્ધિ છે. એલન મસ્કની પ્રાઇવેટ સ્પેસ કંપની સ્પેસ-એક્સ દ્વારા આ રોકેટ તૈયાર કરાયું છે. એલન મસ્ક પોતાના આ સૌથી શક્તિશાળી રોકેટની મદદથી માનવીને મંગળ ગ્રહ સુધી પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે. આ પરીક્ષણ સફળ થયા પછી હવે આ રોકેટની મદદથી માનવીને ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી મોકલી શકાશે.

પરીક્ષણ દરમિયાન રોકેટમાં સ્પેસ શૂટ પહેરાવીને એક પૂતળું મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ સ્પેસ-એક્સ કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ રંગની ટેસલા કાર પણ લોડ કરવામાં આવી હતી. ફાલ્કન હેવી રોકેટ 23 માળની ઇમારત સમાન છે. પ્રથમ વાર બન્યું છે કે કોઈ પ્રાઇવેટ કંપનીએ કોઈ સરકારી મદદ વગર આટલું વિશાળકાય રોકેટ બનાવીને લોન્ચ કર્યું છે. નાસાએ પોતાની વેબસાઇટ પર આ રોકેટની નિર્માણ પ્રક્રિયાનો વિડિયો મૂક્યો છે.
આ ફાલ્કન હાઈ રોકેટને દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ માનવામાં આવે છે. આ વજન લગભગ બે સ્પેસ શટલ જેટલું હોય છે. તે 64 ટન વજન અવકાશમાં લઈ જઈ શકે છે. આ રોકેટમાં લગભગ 18 બોઇંગ 747 વિમાનો જેટલો પાવર છે. આ રોકેટે 11 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉડાન ભરી હતી. આ રોકેટ લોન્ચ કરવા માટે વધારે જગ્યાની જરૂર હોવાથી તેને દરિયાકિનારેથી લોન્ચ કરવામાં આવ્યું હતું.