મંગળ ગીતોને બદલે મરશિયા ગવાયાઃ ભાવનગર નજીક અકસ્માતમાં 31 જાનૈયાનાં મૃત્યુ

ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર રંઘોળા નજીક છઠ્ઠી માર્ચે મંગળવારે સવારે જાન લઈ જતી ટ્રક પુલ પરથી ખાબકતાં 31 જાનૈયાનાં મૃત્યુ થયાં હતાં. તસવીરમાં બચાવકામગીરી હાથ ધરાઈ હતી. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

ભાવનગરઃ ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર રંઘોળા નજીક છઠ્ઠી માર્ચે મંગળવારે સવારે જાન લઈ જતી ટ્રક પુલ પરથી ખાબકતાં 31 જાનૈયાનાં મૃત્યુ થયાં હતાં. પાલિતાણા પંથકના અનીડા (કુંભણ) ગામથી જાન ગઢડા (સ્વામીના) પંથકના ટાટમ ગામે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અનીડા સહિત વિવિધ આઠ ગામનાં 31 જાનૈયાઓનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાત સરકાર દ્વારા મૃતકોનાં સગાંને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામના વલ્ભભભાઈ નંદાસિયાની બે પુત્રીનાં લગ્ન મંગળવારે હતાં. તેમની એક પુત્રી સોનલનાં લગ્ન શિયાનગરના મુકેશ નાડોળિયા સાથે અને બીજી પુત્રી રૂપલનાં લગ્ન અનીડા ગામના વિજય વાઘેલા સાથે નક્કી થયાં હતાં. મંગળવારે ટાટમથી પ્રવીણભાઈ વાઘેલાના પુત્ર વિજયની જાન નીકળી હતી. વરરાજા કારમાં આગળ નીકળી ગયા હતા.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આ ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક પુલની રેલિંગ તોડી નીચે નાળામાં ખાબકી હતી. ટ્રકની નીચે જાનૈયાઓ દબાઈ જતાં ઘટનાસ્થળે જ 23નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બાકીના આઠ જાનૈયાનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. ઘટનાની કરુણતા એ હતી કે આ અકસ્માતમાં વરરાજાનાં માતાપિતા, બહેન અને દાદીનાં પણ મૃત્યુ થયાં હતાં. વરરાજા દુર્ઘટનાથી અજાણ લગ્નમંડપમાં પહોંચી ગયા હતા. એમને દુર્ઘટનાની જાણ કર્યા વગર જ લગ્નવિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી અકસ્માતની જાણ કરાઈ હતી.
રંઘોળા, ગઢડા, સિહોર સહિત વિવિધ શહેરોમાંથી કુલ 11 108 એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે પહોંચી તત્કાલ બચાવકામગીરી કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લોહીની જરૂર પડતાં 360 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરી લખ્યું હતું કે આ દુર્ઘટનામાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે.