મંકીપોક્સ વિશ્ર્વના ૪૨ દેશોમાં ફેલાયો: વૈશ્ર્વિક કટોકટીઅંગે WHO લેશે નિર્ણય

 

કોરોના મહામારી વચ્ચે હવે મંકીપોકસ દુનિયાભરના દેશોમાં ઝડપથી પગ ફેલાવી રહ્યોે છે. આ રોગ હવે ૪૨ દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં ૩૪૧૭ કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને આ અંગે પોતાની ઇમરજન્સી કમિટીની બેઠક બોલાવી છે. મંકીપોકસના પ્રકોપ લઇને વૈશ્ર્વિક ઇમરજન્સી જાહેર કરવી કે નહિ તે અંગે બેઠકમાં વિચારણા થઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા મંકીપોકસ પર વૈશ્ર્વિક કટોકટીની ઘોષણાનો અર્થ એ થશે કે સંયુકત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી આ પ્રકોપને એક ‘અસાધારણ ઘટના’ માને છે અને અન્ય દેશોમાં ફેલાવાનું જોખમ રહેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત કોરોના રોગચાળા અને પોલિયોને નાબૂદ કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની જેમ જ મંકીપોકસ સામે સમાન પગલાં લેવા માટે વિશ્ર્વને પ્રેરણા આપશે. જો કે, વૈજ્ઞાનિકોને શંકા છે કે આવી કોઇપણ જાહેરાત તેને રોકવામાં મદદ કરશે કારણકે વિકસિત દેશો પહેલાથી જ તેને નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લઇ રહ્યાં છે. ગયા અઠવાડિયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના ડાયરેકટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે વાઇરસ ચાલીસથી વધુ દેશોમાં જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ નેટવર્ક એ વૈજ્ઞાનિક અને નાગરિક ટીમોનું વૈશ્ર્વિક જૂથ છે. વર્લ્ડ હેલ્થ નેટવર્કે કહ્યું કે વાયરસ અત્યાર સુધીમાં ૫૮ દેશોમાં ફેલાઇ ચૂકયો છે અને ૩૪૧૭ કેસ નોંધાયા છે. હાલમાં, તેનો પ્રકોપ ઘણા ખંડોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.