ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટિકરણને જાકારો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલાં ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર ભારતના હેન્ડલૂમ, ખાદી અને ટેક્સટાઈલ ક્ષેત્રને વિશ્વ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રસંગે વિપક્ષને લક્ષ બનાવતા મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તૃષ્ટિકરણને જાકારો આપો તેવું ભારત કહે છે.
નવમી ઓગસ્ટનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, આ તારીખે જ મહાત્મા ગાંધીની નેતાગીરી હેઠળ બ્રિટીશરોને ક્વિટ ઈન્ડિયા (ભારત છોડો)નો સંદેશો આપીને ભારતની સૌથી મોટી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે વિકસતી ભારતની રચના કરવામાં કેટલાક તત્ત્વો વિઘ્ન ઊભા કરી રહ્યા છે ત્યારે આ જ મંત્રનો ઉપયોગ કરવો જરૂરી છે.
આપણું એક સ્વપ્ન છે અને તે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું છે. પણ અહીં કેટલાક દુષ્ટ તત્ત્વો વિઘ્ન બની રહ્યા છે, ત્યારે આખા ભારતનો એક જ અવાજ છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને લાંચ રુશ્વતે ભારત છોડવું જોઈએ. 2014થી વણકરો અને હેન્ડલૂમ ક્ષેત્ર માટે સરકારે લીધેલાં વિવિધ પગલાં વિશે તેમણે જણાવ્યું હતું.
વોકલ ફોર લોકલ એ એક મોટી ઝુંબેશ બની ગઈ છે એમ ભારપૂર્વક જણાવીને વડા પ્રધાને ટેક્સટાઈલ ક્ષેત્ર અને ફેશન ઉદ્યોગને તેમની ક્ષિતિજો વિસ્તારવાની અને ભારતને અમેરિકન ડોલર પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની હાલક કરી હતી. નિયો-મધ્યમ વર્ગનું ઉત્થાન થઈ રહ્યું છે તેનો દેશ સાક્ષી છે અને તેનાં પગલે ટેક્સટાઈલ ક્ષેત્ર માટે તક ઊભી થઈ છે એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
દેશમાં સ્વદેશી અંગેની નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને રક્ષા બંધન, ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવાં આવનારા તહેવારોમાં લોકોએ આ ક્રાંતિને વધુ આગળ ધપાવવી જોઈએ એવી વિનંતી તેમણે કરી હતી. આપણું એક સ્વપ્ન છે અને તે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું છે. પણ અહીં કેટલાક દુષ્ટ તત્ત્વો વિઘ્ન બની રહ્યા છે ત્યારે આખા ભારતનો એક જ અવાજ છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને લાંચ રુશ્વતે ભારત છોડવું જોઈએ.
ભારતમાંના આ દુષ્ટ તત્ત્વો દેશ માટે બહુ મોટો પડકાર છે એમ જણાવીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્ર આ દુષ્ટ તત્ત્વોનો જરૂર નાશ કરશે.
નવ વર્ષ અગાઉ ખાદી અને ગ્રામ ઉદ્યોગનું ટર્નઓવર 25,000 થી 30,000 કરોડ જેટલું હતું, જે આશરે રૂ. 1.30 લાખ કરોડને આંબી ગયું છે. વણકરો અને હાથ વણાટનું કાર્ય કરનારા લોકોને આગામી તહેવારો દરમિયાન ટેકો આપવા માટે સ્વદેશીનો ઠરાવ કરવો જોઈએ એવો પુનરુચ્ચાર મોદીએ કર્યો હતો.