ભ્રષ્ટાચાર, કૌભાંડ, બળાત્કાર… આ બધું શું થઈ રહ્યું છે?


કાયદાની વાત કરીએ ત્યારે તરત જ ન્યાયતંત્ર સ્મરણે ચડે. દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સામે જેને અવિશ્વાસનો ઠરાવ કહી શકાય એવી ઇમ્પીચમેન્ટની દરખાસ્ત થોડા દિવસ પહેલાં ચર્ચાના ચગડોળે ચડી હતી. સંસદ કે વિધાનસભાઓ ઉપરથી હવે લોકોનો વિશ્વાસ ઊઠતો જાય છે. ન્યાયતંત્ર ઉપર અવિશ્વાસ કરવાનાં એક હજાર કારણો હોવા છતાં એના ઉપર પ્રજાનો વિશ્વાસ હજી જળવાઈ રહ્યો છે. વિશ્વાસના આ પાયા હચમચાવી મૂકે એ રીતે ઇમ્પીચમેન્ટની આ દરખાસ્ત ઉપર જાહેરમાં ગંદા લૂગડાં ધોવાયાં. આ ગંદકી સાફ થઈ કે નહિ એ તો કોણ જાણે પણ જે રીતે પ્રસાર માધ્યમો અને અન્યત્ર ન્યાયતંત્ર વિશે જે આક્ષેપબાજીઓ થઈ એનાથી પેલી ગંદકીની દુર્ગંધ ચારેય બાજુ પ્રસરી.

કોણે કહ્યું હતું એ આજે યાદ આવતું નથી પણ જેણે પણ કહ્યું હોય એ થોડોક મોટા ગજાનો વિચારક અવશ્ય હોવો જોઈએ. આ નામ વિસ્મરણ છતાં એના સૌજન્યનો સ્વીકાર કરીને એની એક વાત કહેવી છે, જો દુનિયાના તમામ માણસો તમામ પ્રવૃત્તિઓ થંભાવી દઈને જ્યાં હોય ત્યાં જ એક કલાક માટે પલાંઠી વાળીને બેસી જાય અને આંખ બંધ કરીને માત્ર આટલું જ વિચારે કે આ બધું હું શું કરી રહ્યો છું અને શા માટે કરી રહ્યો છું તો એક કલાકને અંતે દુનિયામાં ઘણો ફેરફાર થઈ ગયો હશે.
આ વાત સિદ્ધાંતમાં સાચી હોય તોય આપણે એને વ્યવહારમાં ચકાસી શકીએ એમ નથી છતાં છેલ્લા કેટલાક સમયથી કામકાજ રોકી દઈને ચારેય બાજુ ઉઘાડી આંખે જોઈએ છીએ ત્યારે એમ થાય છે કે આ બધુ શું થઈ રહ્યું છે?
એક દિવસમાં જેનો ખર્ચ કરોડો રૂપિયા થાય છે અને આ કરોડો રૂપિયા દેશના કરોડો લોકોના પેટનો ખાડો પૂરવા માટે વાપરી શકાતા નથી એ સંસદની કાર્યવાહી દિવસો સુધી ચાલતી નથી. જેમને આપણે આપણા ઉપર શાસન કરવા માટે ચૂૂંટીને મોકલ્યા છે, જેઓએ સુશાસન, સુવ્યવસ્થા અને સુચારું શિસ્ત માટે દેશનું નેતૃત્વ લેવાનું છે એવા આ સંસદસભ્યો કશુંય કામ કર્યા વિના પોતાના પગાર અને ભથ્થાંમાંથી ખિસ્સાં ભરી લે છે. વાર્ષિક બજેટ સુધ્ધાં કોઈ વાંચતું નથી, કોઈ વિચારતું નથી અને આપોઆપ પાસ થઈ જાય છે. આ સંસદસભ્યોમાં ત્રીજા ભાગના મહાનુભાવો ઉપર હત્યા, બળાત્કાર, છેતરપિંડી, ભ્રષ્ટાચાર એવા અનેક આક્ષેપો વળગેલા છે. અપીલો, મુદતો અને અન્ય અદાલતી કાર્યવાહીઓ ચાલ્યા કરે છે અને આ મહાનુભાવો લીલાલહેર કરે છે.
રાજકારણ એ સેવાનું ક્ષેત્ર હતું. ગલ્લા, લારીની જેમ શેરીના નાકે ઊભા રહીને માલ વેચવાનું સાધન નહોતું. ડોક્ટરનો દીકરો ડોક્ટર થાય કે પછી વકીલનો દીકરો વકીલ થાય એ રીતે રાજકારણીનો દીકરો આપોઆપ નેતા બની જાય એ સમજી ન શકાય એવી વાત છે. ડોક્ટર કે વકીલના દીકરાએ વરસો સુધી અભ્યાસ કરવો પડે છે. રાજકારણીનો દીકરો કશું જ કર્યા વિના ધારાસભ્ય કે સંસદસભ્ય બની જાય છે. નેતાગીરીમાં વંશવારસોનો વિરોધ કરનારાઓ પણ વખત આવ્યે પેલા ધૂણતા ભૂવાની જેમ હાથમાંનું નાળિયેર પોતાની શેરમાં જ ફેંકે છે. આમાં કોઈ અપવાદ નથી. રાજકારણમાં પ્રવેશવા પહેલાં જે પાયાની કામગીરી કરવી જોઈએ એને સહેજેય ધ્યાનમાં લીધા વિના પિતામહ, પિતા, પુત્ર અને પૌત્ર આ બધા જ ગોઠવાઈ જાય છે. આ ગંદું દશ્ય સહન નથી થતું.
આ ગંદકી માટે આપણે આ રાજકારણીઓને દોષિત ઠરાવીશું તો એ સાચો ન્યાય નહિ હોય! આપણે પોતે પણ આ ગંદકી માટે ઓછા જવાબદાર નથી! આવા નમૂનાઓને આપણે ચૂંટી કાઢીએ છીએ અને જેઓ ધારાસભા કે સંસદસભાના કાર્યકાળ દરમિયાન એક શબ્દ પણ બોલ્યા નથી અથવા તો બોલી બોલીને પોતાની સાત પેઢી ચાલે એટલા ગાંસડા ભરી લીધા છે એમને આપણે ફરી ફરી ચૂંટી કાઢીએ છીએ. ભ્રષ્ટાચારની વાત કંઈ સાવ નવી નથી. માણસનો સ્વભાવ જ એવો છે કે એક યા બીજા પ્રકારે એ ભ્રષ્ટાચારથી સાવ મુક્ત થઈ શકે નહિ. મીંડાં ગણતાં થાકી જવાય અને ગણ્યા પછી એ રકમ કેટલી થઈ એ સમજી ન શકાય એવડા મોટા ભ્રષ્ટાચારો ચારેય બાજુ થઈ રહ્યા છે. છગન ભુજબળ હોય કે લાલુપ્રસાદ યાદવ હોય, કોઈ સરકાર ભ્રષ્ટાચાર વિના ચાલતી હોય એવું લાગતું નથી.
એક વાતની નોંધ લેવી પડે કે 2014 પછી જે નવી સરકાર આવી એના કાર્યકાળ દરમિયાન કોઈ મંત્રીઓ દ્વારા મોટાં કૌભાંડો થયાં નથી. (કે પછી પકડાયાં નથી.) આમ છતાં વહીવટી ક્ષેત્રે કોઈ પણ કક્ષાએ ભ્રષ્ટાચાર રોકાયો નથી. એક મામૂલી તલાટી પાસેથી 7/12નો ઉતારો લેવો હોય કે પછી પાણીપત્રકમાં વારસાગત નામ ચડાવવું હોય તો સરકારી ફી ઉપરાંત તલાટીનો પ્રસાદ ચૂકવ્યા વિના આ કામ આજેય થતું નથી. સરકાર આ માટે કાયદાઓ ઘડે છે, પણ જે કાયદાઓનો વ્યવહારમાં ભાગ્યે જ અમલ થાય છે. ડોક્ટરોએ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં કેપિટલ અક્ષરોમાં જ દવા લખવી અને એ સાથે જ એની જેનરિક દવા લખવી એવા કાયદાની ઘોષણા થઈ ચૂકી છે, પણ તમે એકેય ડોક્ટરને આનો અમલ કરતા જોયા?
કાયદાની વાત કરીએ ત્યારે તરત જ ન્યાયતંત્ર સ્મરણે ચડે. દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સામે જેને અવિશ્વાસનો ઠરાવ કહી શકાય એવી ઇમ્પીચમેન્ટની દરખાસ્ત થોડા દિવસ પહેલાં ચર્ચાના ચગડોળે ચડી હતી. સંસદ કે વિધાનસભાઓ ઉપરથી હવે લોકોનો વિશ્વાસ ઊઠતો જાય છે. ન્યાયતંત્ર ઉપર અવિશ્વાસ કરવાના ંએક હજાર કારણો હોવા છતાં એના ઉપર પ્રજાનો વિશ્વાસ હજી જળવાઈ રહ્યો છે. વિશ્વાસના આ પાયા હચમચાવી મૂકે એ રીતે ઇમ્પીચમેન્ટની આ દરખાસ્ત ઉપર જાહેરમાં ગંદાં લૂગડાં ધોવાયાં. આ ગંદકી સાફ થઈ કે નહિ એ તો કોણ જાણે પણ જે રીતે પ્રસાર માધ્યમો અને અન્યત્ર ન્યાયતંત્ર વિશે જે આક્ષેપબાજીઓ થઈ એનાથી પેલી ગંદકીની દુર્ગંધ ચારેય બાજુ પ્રસરી.
ન્યાયતંત્ર સાથે જ એક રીતે જોઈએ તો પ્રસાર માધ્યમો પણ સંકળાયેલાં છે. આ પ્રસાર માધ્યમો પ્રજાને અને શાસકને એમ બન્નેને સાચા માર્ગે દોરવા માટે છે. આ પાયાનો સિદ્ધાંત પ્રસાર માધ્યમો ભૂલી ગયાં છે. 50 કે 60 વરસ પહેલાં અખબારોમાં જે કંઈ સમાચારો છપાયા હોય એને સામાન્ય નાગરિકો વિશ્વાસપૂર્વક સાચા માનીને સ્વીકારી લેતા. આવી વિશ્વસનીયતા પ્રસાર માધ્યમોએ આજે સદંતર ગુમાવી દીધી છે. ફેઇક ન્યુઝ અથવા પેઇડ ન્યુઝ જેવા કોઈ શબ્દો આપણે ક્યારેય સાંભળ્યા નહોતા. આજે ઊઘડતી સવારે વર્તમાનપત્ર જ્યારે હાથમાં આવે છે ત્યારે એમાં છપાયેલા કોઈ પણ સમાચાર માટે મનમાં પહેલો જ પ્રશ્ન એવો પેદા થાય છે કે આ સમાચાર ફેઇક કે પેઇડ તો નહિ હોય?
બળાત્કારના કિસ્સાઓ વાંચીને અરેરાટી છૂટે છે. માણસજાત માટે બળાત્કાર એ કોઈ નવી ઘટના નથી. દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે પુરુષો દ્વારા સ્ત્રીઓ ઉપર આ અમાનુષી જુલમ થતો જ રહ્યો છે. એને સો ટકા રોકી નહિ શકાય, પણ બળાત્કારના કોઈ પણ કિસ્સામાં સમગ્ર સમાજે એનો વિરોધ કરીને અત્યાચારીને મહત્તમ સજા થાય એવી જાગરૂકતા કેળવવી જોઈએ. આજે બળાત્કાર સુધ્ધાં સામાજિક કે રાજકીય લાભાલાભનું એક નિમિત્ત બનતો જાય છે. જમ્મુની પીડિતા માટે સૌ કોઈને ભારે આક્રોશ હોવો જોઈએ. એટલું જ નહિ, આવો આક્રોશ મીણબત્તીઓ સળગાવીને કોઈ વ્યક્ત કરે તો સૌ કોઈએ એનું સમર્થન કરવું જોઈએ, પણ જો આ મીણબત્તીઓ ગોરખપુરની પીડિતાના કિસ્સામાં ઓલવાઈ જાય તો એ જોઈને બળાત્કારના મૂળ કિસ્સા કરતાં પણ વધુ અરેરાટી થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં ફાંસીની સજા પામી ચૂકેલા અપરાધીને છોડી મૂકવા ભાષા કે ધર્મની દષ્ટિએ કોઈ રાજ્યની ધારાસભા ઠરાવ કરે અથવા તો ગૃહમંત્રી કે રાષ્ટ્રપતિના ટેબલ ઉપર આ સજાનો અમલ વરસો સુધી રોકાઈ જાય ત્યારે પણ એમ થાય છે કે આ બધું શું થઈ રહ્યું છે? કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે સમાજમાં સાચું-ખોટું કે સારું-ખરાબ થતું જ હોય છે. આમ છતાં તત્કાલીન સમાજમાં સારાને સારું કહેવાતું હોય અને ખરાબને ખરાબ કહેવાતું હોય તો એ સમાજ અરેરાટી નથી ઉપજાવતો, પણ જ્યારે આથી ઊલટું બને છે. સારું સમજવા છતાં બૂરું બની જાય છે અને બૂરું સમજવાં છતાં સારું બની જાય છે ત્યારે અંદરથી એક ચિત્કાર ઊઠે છે કે અરે! આ બધું શું થઈ રહ્યું છે? (‘મુંબઈ સમાચાર’ દૈનિકના સૌજન્યથી)

લેખકઃ મુંબઈસ્થિત સાહિત્યકાર અને કટારલેખક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here