ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નવનીત કૌરની બોલીવુડની આગામી હોરર ફિલ્મ ‘અમાવસ’

0
1063

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નવનીત કૌર ધિલોનની બોલીવુડની આગામી ફિલ્મ ‘અમાવસ’ આગામી જુલાઈ માસમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. શૂટિંગમાંથી રિલેક્સ થયેલી નવનીત કૌરે મુંબઈથી આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં પોતાની કારકિર્દી વિશે વાતો કરી હતી.
નવનીત કૌરની બોલીવુડમાં પ્રથમ ફિલ્મ ‘લવશૂદા’ હતી, જે 2016માં રિલીઝ થઈ હતી, જેમાં તેના અભિનેતા ગિરીશ કુમાર હતા. આ પછી તેેણે હિન્દી અને પંજાબી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. પંજાબી ફિલ્મ ‘અંબરસરિયા’માં તેણે દિલજિત દોસાંજ અને ‘ની તુ જાટ દી પસંદ’માં ગિપ્પી ગ્રેવાલ સામે કામ કર્યું છે. નવનીત કૌર પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘અમાવસ’ કરી રહી છે, જેમાં તેની સાથે નરગિસ ફખરી અને સચીન જોશી છે.
નવનીત કૌરે કહ્યું હતું કે હું આ માસની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. ‘અમાવસ’ ખૂબ જ સારી ફિલ્મ છે, ફિલ્મની સ્ક્રિપ્ટ સારી છે અને બોલીવુડની અન્ય હોરર ફિલ્મો જેવી છે. હું સેટ પર જવા માટે આતુર છું. એ જોવાનું રસપ્રદ છે કે નવનીત કૌર, અનુષ્કા શર્મા, નરગિસ ફખરી જેવી અત્રિનેત્રીઓ હોરર ફિલ્મો સાથે અખતરા કરી રહી છે, જે અત્યાર સુધી બહુ ઓછા કલાકારો અને નવોદિતો કરતા હતા.
નવનીત કૌર કહે છે કે, ‘મેં બહુ ઓછી ફિલ્મો કરી છે, પરંતુ હોરર ફિલ્મ કરવાની મજા છે. પાછલા ભૂતકાળમાં જોઈએ તો બિપાસા બાસુ એકમાત્ર અભિનેત્રી હતી જે હોરર ફિલ્મોમાં કામ કરતી હતી. આજે ઘણી અભિનેત્રીઓ હોરર ફિલ્મો કરી રહી છે. હું હોરર ફિલ્મો અને ટીવી શો જોતાં જોતાં મોટી થઈ છું અને હવે ‘અમાવસ’માં અભિનય કરવો ગૌરવપૂર્ણ છે.
‘અમાવસ’નું ડિરેક્શન ભૂષણ પટેલે કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ સચીન જોશીની વાઇકિંગ મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ, થોથ વેન્ચર્સ, સિમ્પલી વેસ્ટ યુકે કરી રહી છે.
નવનીત કૌરે 2011માં પંજાબી યુનિવર્સિટી પતિયાલામાં બી. ટેક. ઇન ટેલિવિઝન ફિલ્મ પ્રોડક્શન-મિડિયા ટેક્નોલોજીનો કોર્સ કર્યો છે. નવનીત કૌર કહે છે કે હું નાનપણથી ફિલ્મોમાં આવવાનો વિચાર કરતી હતી. મેં ફિલ્મ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે, પરંતુ કેમેરાની પાછળ કામ કરતાં કરતાં કેમેરા આગળ કામ કરી રહી છું તેનો આનંદ છે. બોલીવુડમાં ભાવિ બનાવવાનું વિચારતી નવનીત કૌર કહે છે કે ‘અમાવસ’ રસપ્રદ હોરર ફિલ્મ છે, જેમાં અમે બધાને ડરાવીશું.

(ગુજરાત ટાઇમ્સ સંકલન)