ભીષણ બનતાં યુદ્ધને રોકવા માટેના પ્રયાસો પર મંથન કરાયું

તેલઅવીવ: ઇઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે જારી લોહિયાળ યુદ્ધમાં સાડા પાંચ હજારથી વધુ માનવજિંદગી હિંસાની આગમાં હોમાઇ ચૂકી છે, જેમાં દોઢ હજારથી વધુ આતંકી પણ માર્યા ગયા છે. રાતભર હુમલા જારી રાખતાં આક્રમક બનેલી ઇઝરાયલની સેનાએ કરેલા હુમલાઓમાં મોટી સંખ્યામાં મોત થવા સાથે અનેક ઘર તબાહ થઇ ગયા હતા. આ યુદ્ધે દુનિયાભરના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે ત્યારે ભીષણ બની ચૂકેલા યુદ્ધ વચ્ચે શાંતિની મથામણરૂપે આજે 10થી વધુ દેશ વચ્ચે શિખર બેઠક યોજાઇ હતી જેમાં યુદ્ધને રોકવા માટેના પ્રયાસો પર મંથન કરાયું હતું. ઇઝરાયલી સેનાએ યુદ્ધના 15મા દિવસે વેસ્ટ બેંક પર ત્રાટકતાં તબાહી મચાવી હતી. સેનાએ હમાસ સાથે જોડાયેલા 450 સહિત 670થી વધુ પેલેસ્ટાઇન નાગરિકોની ધરપકડ કરી લીધી છે.
ગાઝા શહેરની અલકુદસ હોસ્પિટલને ખાલી કરવાનો આદેશ અપાયો હતો. ઇઝરાયલના હુમલામાં બેઘર બનેલા 12 હજારથી વધુ લોકો ત્યાં રહેતા હોવાથી હોસ્પિટલે ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ભીષણ યુદ્ધ રોકવા, યુદ્ધવિરામ કરાવવા માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીનાં વડપણ હેઠળ એક શિખર બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં યુએઇ, કતર, ઇટાલી, સ્પેન, કેનેડા, ગ્રીસ, યુરોપિય કાઉંસિલ સહિત 10થી વધુ દેશના પ્રતિનિધિ જોડાયા હતા. આ બેઠકમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસે કહ્યું હતું કે, કોઇપણ પડકાર હોય, અમે અમારી જમીન છોડીને કયાંય જવાના નથી. ઇઝરાયલે શાળાઓ, હોસ્પિટલો, ચર્ચને નિશાન બનાવી, નિર્દોષ બાળકો, મહિલાઓ પર હુમલા કરતાં દરેક પ્રકારે માનવીય કાયદાનો ભંગ કર્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું. અગાઉ, જોર્ડનના રાજા અબ્દુલ્લાહ દ્વિતિયએ પેલેસ્ટાઇની નાગરિકોનાં મોત પર પશ્ચિમી દેશોનાં મૌનની ટીકા કરી હતી.
બીજી તરફ ઇજિપ્ત અને ગાઝા વચ્ચે રાફા ક્રોસિંગ પરથી પેલેસ્ટાઇનીઓને જરૂરી સામગ્રી પહોંચાડવાનું શરૂ થઇ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાફા સીમા પાર કરીને 200 ટ્રક ત્રણ હજાર ટન સામાન સાથે ગાઝામાં પહોંચી ચૂકી છે. વિદેશી નાગરિકો ગાઝા છોડીને ઇજિપ્ત જશે, તેવી શક્યતા બતાવાઇ હતી. આ દરમિયાન, ઇઝરાયલે ઇજિપ્ત, જોર્ડન, મોરોક્કો સહિત મુસ્લિમ દેશોમાં મોજુદ તેના નાગરિકોને જલ્દી એ દેશો છોડીને આવી જવાની સલાહ આપી છે.