‘ભીખ માગવાથી શરૂ થયેલી યાત્રા ૧૪૦૦ અનાથ બાળકોનાં જતન સુધી પહોંચી છે’

 

સુરતઃ સુરતમાં સ્ત્રી કોન્કલેવને સંબોધતાં મહારાષ્ટ્રની મધર ટેરેસા તરીકે જાણીતાં થયેલાં સિંધુતાઈ સપકાલે જણાવ્યું હતું કે ભીખ માગવાથી શરૂ થયેલી મારી જીવનયાત્રા ૧૪૦૦ અનાથ બાળકોની પાલક માતા સુધી પહોંચી છે. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પીપરી ગામમાં તેમનું બાળપણ ફાટેલાં કપડાંમાં વીત્યું હતું

તેમનું માનવું છે કે એક દિવસ પૂરતો મહિલાદિન મનાવીને સમાજે ખુશ થવાની જરૂર નથી. મહિલાઓને ફક્ત એક જ દિવસ માન-સન્માન નહિ, પણ આજીવન  મળવું જોઈએ, એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. મહિલા થકી જ દુનિયા કાયમ છે અને એ જ કારણ હતું કે તેને પરમાર્થના કામમાં મન લાગ્યું હતું. 

એક અનાથ બાળકને કારણે તેનો જીવ બચી ગયો હોવાની ઘટનાથી તેમણે હવે પછીનું જીવન અન્ય માટે કે જેમનું કોઈ નથી તેવા અનાથના નામે કરવાનો નિર્ણય કર્યો છે. લોકોની મદદ મળતી ગઈ અને એક-બે અનાથ બાળકોમાંથી આજે તેઓ ૧૪૦૦થી વધુ અનાથ બાળકોનાં માતા બની ચૂક્યાં છે. તેઓ કહે છે કે દેશમાં કોઈ અનાથ ન રહે. હું હજારો નહિ, લાખો અનાથ બાળકોની માતા બનવાની ઇચ્છા રાખું છું. આ માટે તેમને સરકાર તરફથી મદદની કોઈ અપેક્ષા નથી અને તેઓ ક્યારેય સરકાર પાસે હાથ ફેલાવશે નહિ, એવું તેમણે જણાવ્યું હતું. ચાર વખત રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત અને સાડાસાતસો કરતાં પણ વધુ અવોર્ડ મેળવનારાં સિંધુતાઈના પ્રેરક પ્રવચન સાથે અન્ય ૧૦ મહિલાઓનાં પણ વક્તવ્ય અને સન્માન થયાં હતાં.