ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ઑક્સિજન પ્લાન્ટ્સનું વર્ચ્યુઅલ ઉદઘાટન

 

ભાવનગરઃ ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું. ૧૦૦૦ એલપીએમ ક્ષમતાના એક એવા બે ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સાથે કોપર પાઇપિંગ નેટવર્ક અને અગ્નિ શમન પ્રણાલિ તેમજ ઑટોમેટિક ઑક્સિજન સોર્સ ચેન્જઓવર સિસ્ટમ જેવી સંકળાયેલી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ સુવિધા ભાવનગરના લોકોને સમર્પિત કરવામાં આવે છે. આવી અન્ય સુવિધાઓનું તાજેતરમાં ઉદ્ઘાટન થયું એનાથી દેશને કટોકટીના સમયમાં મદદ મળશે. માંડવિયાએ કહ્યું હતું કે દેશને કોવિડથી સલામત રાખવા માટે દેશ સમગ્ર સમાજ અભિગમ દ્વારા લોક-ભાગીદારીની ભાવનાથી કાર્ય કરી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પહેલી કોવિડ-૧૯ લહેરને પરાસ્ત કરવામાં લોકડાઉન દરમિયાન કોવિડ અનુરૂપ વર્તણૂક અને સામાજિક અંતરના નિયમો જાળવવામાં લોકોએ આપેલા સહકારની નોંધ લીધી હતી. આ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રના સંપૂર્ણ સહકારનો પુરાવો જ છે કે આપણે આપણી ઑક્સિજન ક્ષમતાને માત્ર ૪૦૦૦ મેટ્રિક ટન જ હતી એને ટૂંકા ગાળાના સમયમાં વધારીને ૧૨,૦૦૦ મેટ્રિક ટન કરી દીધી, એમ તેમણે કહ્યું હતું.

માંડવિયાએ જણાવ્યું હતું કે બીજી લહેરમાંથી આપણે ઑક્સિજન પુરવઠો, હોસ્પિટલ બેડ્સ અને દવાઓ જેવું ઘણું બધું શીખ્યા છીએ. આપણે હવે દરેક જિલ્લામાં કટોકટીમાં જરૂરી ક્રિટિકલ કેર મેડિકલની આવશ્યકતાઓ ખરીદવા માટે પૂરતા ફંડ્સને સુનિશ્ચિત કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં કોવિડ-૧૯ના તાકીદના વળતા પગલાં માટે રૂ. ૨૩,૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here