ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં ૨૫ લોકોનાં મોતઃ મુંબઈમાં આકાશી આફત

 

હૈદરાબાદ-મુંબઈઃ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ૧૦૨ વર્ષ પછી છેલ્લાં ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે ભારે તબાહી મચી ગઈ છે અને બંને રાજ્યોમાં કુલ મળીને ૨૫ લોકોનાં મોત થયા છે. વરસાદની સૌથી વધુ અસર હૈદરાબાદમાં જોવા મળી છે. હૈદરાબાદના ઘણા ભાગમાં સતત વરસાદને કારણે અત્યાર સુધી ૨૫ લોકોનાં મોત થયા છે. 

હૈદરાબાદમાં ૧૫ લોકો સિવાય કુર્નૂલ નગરમાં ૩ લોકોનાં મોત થયા છે. તેમાંથી ૯ લોકોનાં મોત તો બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દીવાલ પડવાથી થયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નિચલા વિસ્તાર તો જળમગ્ન છે. તેલંગણામાં ૧૮ લોકો તો આંધ્રમાં ૭ લોકોનાં મોત થયા છે. 

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, તેમણે ભારે વરસાદથી પરેશાન આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ- ’ભારે વરસાદને કારણે તેલંગણા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી. કેન્દ્રએ દરેક સંભવ બચાવ અને રાહત કાર્યમાં મદદ તથા સહયોગનું આશ્વાસન આપ્યું છે. ભારે વરસાદથી પ્રભાવિત લોકો વિશે વિચારી રહ્યો છું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપદા પર દુખ વ્યક્ત કર્યું છે.’

બીજીતરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા અને રાહત શિબિરોમાં શરણ લેનારા લોકોને દરેક સંભવ મદદ આપવાના નિર્દેશ આપ્યા છે અને શિબિરમાં દરેક વ્યક્તિને ૫૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ચક્રાવાતી તોફાનને કારણે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઉત્પન્ન થવા પર બુધવારે અમરાવતીમાં એક સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી રેડ્ડીએ જિલ્લા તંત્રને પૂરથી પ્રભાવિત ક્ષેત્રોમાં યોગ્ય ઉપાય કરવાના આદેશ આપ્યા છે. 

NDRF તરફથી જારી પ્રેસ રિલીઝ અનુસાર, હૈદરાબાદમાં સતત વરસાદે શહેરમાં પૂર જેવી સ્થિતિ પેદા કરી છે અને શહેરમાં જનજીવનને અસ્ત-વ્યત્ત કરી દીધું છે. તેલંગણા રાજ્ય તંત્રની વિનંતી પર પ્રાકૃતિક આપદાનો સામનો કરતા માટે એનડીઆરએફની ૪ ટીમોને શહેરમાં તૈનાત કરવામાં આવી છે. 

દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. કોલાબામાં અત્યાર સુધીમાં ૮૫ મિલીમીટર, સાંતાક્રૂઝમાં ૬૬ મિમી, વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. 

લગભગ ૧૨ કલાકના ભારે વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નિમગાંવ, કેતકી અને બિધવનમાં હાલાત બેકાબૂ થઈ રહી છે. ઈન્દાપુરમાં માત્ર ૧૨ કલાકમાં ૧૭૮ મિમી વરસાદ રેકોર્ડ થયો છે. ઉજની બંધમાંથી છોડાયેલા પાણીના કારણે પુણે-સોલાપુર હાઈવે બંધ કરાયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here