ભારત ૨૦૨૧માં ૧૨.૫ ટકાનો પ્રશંસનીય વૃદ્ધિ દર નોંધાવશેઃ IMF

 

વોશિંગ્ટનઃ કોવિડની મહામારીને કારણે દેશના આર્થિક મોરચે જોવા મળેલાં નિરાશાજનક વાતાવરણ વચ્ચે આવેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક આશાસ્પદ અહેવાલ અનુસાર ૨૦૨૧માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૧૨.૫ ટકા રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. IMF અંદાજ અનુસાર કોવિડ-૧૯ની મહામારી દરમિયાન હકારાત્મક વૃદ્ધિ દર્શાવનારા વિશ્વના મોટા અર્થતંત્રો પૈકીના એક ચીન કરતાં પણ ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત રહેવાની શક્યતા છે. 

વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાકિય સંસ્થાએ તેના વાર્ષિક વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું છે કે ૨૦૨૨માં ભારતીય અર્થતંત્ર ૬.૯ ટકાના દરે વૃદ્ધિ પામશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ભારતીય અર્થતંત્રમાં વિક્રમી ૮ ટકાનું સંકોચન જોવાયું હતું. 

જ્યારે બીજી બાજુ ૨૦૨૦માં ૨.૩ ટકાનો હકારાત્મક વૃદ્ધિ દર નોંધાવનાર ચીન ૨૦૨૧માં ૮.૬ ટકાની તથા ૨૦૨૨માં ૫.૬ ટકાની વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ ત્પ્જ્ તેના અહેવાલમાં રજૂ કર્યો છે.IMF મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપિનાથનના જણાવ્યાં અનુસાર વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ માટે અમે ૨૦૨૧ અને ૨૦૨૨ના વર્ષ માટે અમારા અગાઉના અંદાજની તુલનાએ વધુ મજબૂત રિકવરીની ધારણા રજૂ કરી રહ્યાં છીએ જે મુજબ વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૧માં ૬ ટકા અને ૨૦૨૨માં ૪.૪ ટકાની વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે.