ભારત સાથે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે ચીન

 

નવી દિલ્હીઃ મહાસત્તા બનવાનું સપનું જોનાર ચીન ખરેખર એક નબળો દેશ છે. ચીનની અર્થવ્યવસ્થા નબળી છે. કોરોના વાઇરસના સંકટ બાદ તે વિશ્વમાં અલગ થઈ ગયો છે. અમે તમને આર્થિકથી લઈને વ્યૂહાત્મક મોરચા સુધીની ચીનની પાંચ નબળાઈઓ જણાવીએ છીએ, જેના કારણે તે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે. ચીનની સેના શક્તિશાળી દેખાય છે પરંતુ તે અંદરથી નબળી છે. ભલે ચીન તેની સૈન્ય તૈયારીનો વીડિયો બતાવે. તેની શક્તિનો પ્રચાર કરે, પરંતુ સત્ય એ છે કે જો યુદ્ધ શરૂ થાય છે, તો ચીની સૈન્ય ભારત સામે ટકી શકશે નહીં. આ વાત ચીનના સંરક્ષણ નિષ્ણાતો પણ માને છે. ભારત અને ચીન વચ્ચે એલએસી એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ મોટાભાગે ડુંગરાળ વિસ્તાર છે અને આ ક્ષેત્રમાં યુદ્ધ માટે ભારતીય સૈન્ય ચીન કરતાં વધુ અનુભવી અને શક્તિશાળી છે.

આમ તો ચીનની સૈનિકોની સંખ્યાની દષ્ટિએ વિશ્વની સૌથી મોટી સેના માનવામાં આવે છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીમાં લગભગ ૨૦ લાખ સૈનિકો છે. પરંતુ ચીની સેનાના ૨૦% સૈનિકો યુદ્ધ માટે અયોગ્ય છે. ચીનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. બેરોજગારી વધી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન દુનિયાનો ચીન પરનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. એક સમય એવો હતો કે જ્યારે ચીન નિર્માણ ક્ષેત્રે સૌથી મહત્ત્વપૂર્ણ દેશ હતો, પરંતુ હવે વિકસિત અને વિકાસશીલ બંને રીતે દેશ ચીનથી તેમના પ્લાન્ટને સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભારતને દુનિયા એક નવી તક તરીકે જોઈ રહ્યું છે અને ઘણી વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. ચીન પણ ક્યાંક ભારતની વિકસી રહેલી અર્થવ્યવસ્થાથી હચમચી ઉઠ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે અને વૈશ્વિક મંદીના યુગમાં ચીન માટે તેનો સામનો કરવો સહેલું નથી. કોરોના વાઇરસને કારણે ચીન દુનિયામાં ચારે બાજુથી ઘેરાઈ ગયું છે.