ભારત સહિત વિવિધ દેશોમાં સુપર બ્લુ મૂન – ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો

(ડાબે) ચંદ્રગ્રહણ વખતે 31મી જાન્યુઆરી, બુધવારે સંધ્યાકાળે ચંદ્ર કાળોડિંબાગ લાગતો હતો. આછો ચંદ્ર પછી કેસરી ચંદ્ર બન્યો હતો. પૂર્ણ ચંદ્ર થતાં સફેદ દૂધ જેવો દેખાતો હતો. ગુજરાતના વિખ્યાત તસવીરકાર ભાટી એન.એ સ્લો સ્પીડની મદદથી અને 300ના ટેલીલેન્સ જેવા આધુનિક કેમેરાથી આ ઘટના કેદ કરી હતી. (ફોટોઃ ભાટી એન.)

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં 35 વર્ષના સમયગાળા પછી એક અદ્ભુત નજારો બુધવારે જોવા મળ્યો હતો. એકસાથે બ્લુ મૂન, સુપર મૂન અને સંપૂર્ણ ચંદ્રગ્રહણનો ખગોળીય નજારો આકાશમાં દેખાયો હતો. સુપર મૂન વખતે ચંદ્ર ધરતીની સૌથી નજીક 60 હજાર કિલોમીટરના અંતરે આવતો હોય છે. આ પ્રકારના ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ રંગનો થઈ જાય છે જેને બ્લડ મૂન અથવા બ્લુ મૂન કહે છે. ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો અને તેની સાથે સંપૂર્ણ ચંદ્રગ્રહણ પણ થયું હતું. એકસાથે આ નજારો હવે 125 વર્ષ પછી જોવા મળશે. બ્લડ મૂન અથવા બ્લુ મૂન તરીકે જાણીતી આ ઘટના બની ત્યારે ચંદ્ર પૃથ્વીથી ફક્ત 60 હજાર કિલોમીટર દૂર હતો. નિયત સમય મુજબ સાંજે 6.22થી ચંદ્રગ્રહણ શરૂ થવાનું હતું, પરંતુ પૂનમના કારણે ભારતમાં ચંદ્ર થોડો મોડો ઊગ્યો હતો. સાંજે ચંદ્રગ્રહણ નિહાળવા માર્ગો પર, અગાસી પર, ફલેટ-ઘરોમાં લોકો ઊમટ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ બપોર પછી મોટા ભાગનાં મંદિરો બંધ કરવામાં આવ્યાં હતાં. કેટલાંક મંદિરો ચંદ્રગ્રહણ પછી દર્શન માટે ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. નવ વાગ્યા સુધી ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો હતો.
ભારતમાં દિલ્હી, જયપુર, ભોપાલ, વારાણસી, કોલકાતા સહિત અનેક શહેરોમાં સુપર બ્લડ મૂન જોવા મળ્યો હતો. બ્લુ મૂનની સાથે સુપર મૂન અને ખગ્રાસ ગ્રહણ 35 વર્ષ પછી પ્રથમ વાર જોવા મળ્યું હતું. ભારત ઉપરાંત નોર્થ અમેરિકા, મધ્યપૂર્વ, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં આકાશમાં આ ઘટના જોવા મળી હતી.

(વચ્ચે) બ્રિટનના નોર્થ લંડનમાં બે બહુમાળી ઇમારતોની પાછળ ઢંકાયેલો વિશાળકાય ચંદ્ર. આગામી બ્લુ મુુન લુનાર એકલિપ્સ 31મી ડીસેમ્બર 2028ના રોજ થશે.(ફોટોસૌજન્યઃ રોઇટર્સ)

અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ જણાવ્યું હતું કે અમે અવકાશની આ ઘટનાને નિહાળવા માટે અમારી ટીમ વિવિધ સ્થળે ગોઠવી હતી. 1982 પછી સૌપ્રથમ વાર સુપર બ્લડ મૂન જોવા મળ્યો હતો. હવે તે 2028 અને પછી 2037માં દેખાશે. મહિનામાં બીજી વાર સંપૂર્ણ ચંદ્ર જોવા મળ્યો હોય તે બ્લુ મૂન તરીકે ઓળખાય છે. જ્યારે સંપૂર્ણ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય તેને સુપર મૂન કહેવામાં આવે છે. આ સમયે ચંદ્ર સામાન્ય કરતાં 14 ગણો વધુ પ્રકાશિત દેખાતો હતો.

ફિલિપાઇન્સના પાટનગર મનીલામાં કેમેરાની મદદથી ચંદ્રગ્રહણનો ફોટો પાડતી એક વિદ્યાર્થીની. (ફોટોસૌજન્યઃ એપી)

પશ્ચિમ અમેરિકામાં અને કેનેડામાં આ અવકાશી ઘટના વધુ સારી રાતે જોઈ શકાઈ હતી. પશ્ચિમ અમેરિકાના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે લોકો ચંદ્રગ્રહણ જોઈ શક્યા નહોતા.