
કેનેડાની ક્યુબેક સિટીમાં જી-7 શિખર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કેટલાક અમેરિકી ઉત્પાદનો પર 100 આયાત ડયુટી લગાવવામાં આવી છે તે યોગ્ય નથી.તેમણે હાલની આયાત નીતિને ખતમ કરવાની માંગ કરતાં એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, જો આ પ્રકારની વ્યવસ્થાનો તાત્કાલિક અંત લાવવામાં નહિ આવે તો સંબંધિત દેશોને તેનું પરિણામ ભોગવવું પડશે. તેમણે પોતાના નિવેદનમાં ભારત પ્રત્યે પણ સખત નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જાણે અમેરિકા નધણિયાતું રાષ્ટ્ર હોય એમ સમજીને દરેક જણ તેના પર ધાડ પાડી રહ્યું છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જી-7ના સભ્ય દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘોષણાપત્ર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો. જેને કારણે વિશ્વના સમૃધ્ધ દેશોની શિખર પરિષદ કોઈ ચોક્કસ પરિણામ વિના સમાપ્ત કરવામાં આવી હતી. હાલના અમેરિકા સાથેના અન્ય રાષ્ટ્રોના વ્યાપારિક સંબંધોને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. હાલની વ્યાપારિક વ્યવસ્થાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંતુષ્ટ નથી. ટ્રમ્પ અગાઉ વ્યાપારિક નીતિને અનુલક્ષીને ચીનને પણ ચેતવણી આપી ચુક્યા છે.