ભારત સરકાર દ્વારા ડો. હર્ષદ દેસાઈ અને યઝદી કરંજિયાને પદ્મશ્રીથી નવાજાયા

 

નડિયાદઃ ભારસ સરકાર દ્વારા ૭૧મા સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ પદ્મશ્રી અવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ- ચાન્સેલર, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી ડો. એચ. એમ. દેસાઈને શિક્ષણ, સાહિત્યક્ષેત્રે ઉમદા પ્રદાન કરવા બદલ પદ્મશ્રી અવોર્ડની જાહેરાતથી વિભૂષિત કરવામાં આવ્યા છે. આ ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે.

ડો. હર્ષદ દેસાઈ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. એકવાર નડિયાદના એક આચાર્ય રિસેસમાં જમીને પોતાના ઘેરથી કોલેજ તરફ આવતા હતા. કોલેજની કેન્ટીન પાસે ઊભેલા આઠ-દસ વિદ્યાર્થીઓ વાતો કરતા હતા, ત્યાં તેમને ધુમાડો દેખાયો. આચાર્યે કાર ઊભી રાખી પૂછ્યું, કોણે સિગારેટ પીધી છે? કોઈએ જવાબ ન આપ્યો. એ પછી આચાર્યે બધા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા. એક વિદ્યાર્થીએ કબૂલ્યું કે મેં સિગારેટ પીધી હતી. આચાર્યે તેને લોબી સાફ કરવાની (વાળવાની) સજા કરી. વિદ્યાર્થીને એટલો બધો પસ્તાવો થયો કે તેણે સિગારેટ નહિ પીવાનો સંકલ્પ કર્યો.

આ એક વિદ્યાર્થીની જ નહિ, અસંખ્ય વિદ્યાર્થીઓની જિંદગી બદલી નાખનારી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. નડિયાદમાં આવેલી પ્રસિદ્ધ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ચાન્સેલર ડો. એમ. એમ. દેસાઈ.

ડો. હર્ષદ દેસાઈ એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે બે ટર્મ અને પ્રેસિડેન્ટ તરીકે એક ટર્મ રહીને ભારતની તમામ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ એજન્સીઓ, જેવી કે ડીએસટી, ઇસરો, પીઆરએલ, આઇઇઇ વગેરેને તેમણે ઇન્ડિયન મૂન મિશન, ચંદ્રાયાન એન્ડ માર્સ મિશન, ઇન્ડિયન લિગ્વિસ્ટિક સર્વે, ઇન્ડિયન પ્લેનેટરી એક્સપ્લોરેશન્સ માટે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. નેનો ટેક્નોલોજીમાં એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે તેમના પ્રયાસોને અમેરિકન સરકાર તરફથી નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા મંજૂરી મળી હતી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં તેમના પ્રયાસોને કારણે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીને વિશ્વની પ્રથમ અને સૌથી મોટા ઓર્ગન્સ ડોનર્સ યુનિવર્સિટી, હોસ્ટેલ, હોસ્પિટલ્સ, આર એન્ડ ડી સેન્ટર્સના પાયોનિયર ઇનોવેટર, ડેવલપર, મેન્ટર છે. તેઓ બેસ્ટ ઇનિ્સ્ટટ્યુશન બિલ્ડર તરીકે જાણીતા છે. જેના ઉત્તમ ઉદાહરણ નડિયાદમાં પૂર્ણતાને આરે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે આવેલી ડો. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ છે. તેઓ શિક્ષણશાસ્ત્રી, ટેક્નોક્રેટ, એકેડેમિક, વિઝનરી અને પરોપકારવાદી વ્યક્તિત્વનો સમન્વય ધરાવે છે. તેમના પ્રયાસોને કારણે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ ઓટોનોમસ સંસ્થા, પ્રથમ ડીમ્ડ યુનિવર્સિટી અને પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો.

કાર્યકિર્દી આરંભીને લેક્ચરરથી પ્રિન્સિપાલ, ડિરેક્ટર અને બે યુનિવર્સિટી (ગુજરાત યુનિવર્સિટી અને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી)ના વાઇસ-ચાન્સેલર તરીકે સફળતાપૂર્વક કાર્ય કરેલાં છે. આ નગરના ફક્ત સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ એજ્યુકેશન જ નહિ, પરંતુ સાયન્ટિફિક, ટેક્નિકલ, એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં વિકાસ થયો છે. તેમની શૈક્ષણિક સિદ્ધિઓ ઉજ્જવળ છે. તેઓ પીએચડી થયા છે. આ ઉપરાંત તેઓ રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ લંડનના સભ્ય, અમેરિકન કેમિકલ એન્જિનિયર્સના સભ્ય તથા ફેલો ઓફ એન્જિનિયર્સ તરીકે બેવાર કો-ઓપ્ટ થયેલા છે. અત્રે ઉલ્લખનીય છે કે વર્લ્ડ બેન્ક તરફથી રૂ. ૨૫ કરોડનું અનુદાન મેળવનાર ડીડીઆઇટી એકમાત્ર બિનસરકારી સંસ્થા છે. અહીં દેશભરમાંથી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આવે છે.

સુરતના લોકલાડીલા યઝદીભાઈ કરંજિયાને ભારત સરકારે પ્રજાસત્તાકદિનની પૂર્વસંધ્યાએ પદ્મશ્રીના  ઇલકાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા  કરેલી સમાજસેવા એના કેન્દ્રમાં છે. તેમણે યઝદી કરંજિયા ગ્રુપ દ્વારા સાઠથી વધુ વર્ષોથી હાસ્યનાટકો કર્યાં છે, જેની રજૂઆત સુરત-ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઈ છે. તેમનો આખો પારસી પરિવાર નાટ્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, આવું કરનારો આ આખરી પરિવાર છે. પોતાનાં નાટકો દ્વારા ભેગી થયેલી રકમ તેમણે સમાજસેવા માટે વાપરી છે અને એનો સરવાળો રૂપિયા ત્રણ કરોડથી ઉપર થવા જાય છે. 

તેમના નાટ્યગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા સાથે તેમણે તાપીતટે તાપીદાસ નામની ૩૦૦થી વધુ હપતાવાળી હાસ્યશ્રેણી આકાશવાણી પર રજૂ કરી હતી, એનું તેમણે પુસ્તક પણ બનાવ્યું છે. 

તેમનાં પત્ની વીરા કરંજિયા, નાના ભાઈ મહેરનોઝ કરંજિયા, ભાભી પેરીન કરંજિયા, દીકરી મહારુખ ચીચગર, દીકરો શહેનાઝ કરંજિયા તથા ભાઈ રોહિન્ટન કરંજિયા અને ખાસ મિત્ર જાલ લંગડાના સહિતનું તેમનું યઝદી કરંજિયા ગ્રુપ સુરતમાં જ નહિ, દેશનાં તમામ મોટાં કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરજન કરતા રહ્યા છે. ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. તેમના બિચારો બરજોર, દિનશાજીના ડબ્બા ગુલ કે કૂતરાની પૂંછડી વાંકી જેવાં હાસ્યનાટકોથી તેઓ વર્ષોવર્ષ પ્રેક્ષકોને હસાવતા રહ્યા છે. કેમ્બે ઇનિ્સ્ટટયૂટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યાવસાયિક રીતે સંકળાયેલા છે. 

યઝદીભાઈને પદ્મશ્રીનો ઇલકાબ મળવો એ સુરત જ નહિ, ગુજરાત અને દેશની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ગૌરવની બાબત છે.