અમદાવાદ: અમદાવાદના સાયન્સ સિટીમાં બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવ’ની શઆત થઇ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ૨૮ રાજ્યોના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાનોસહિત ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત ૨૫૦થી વધુ ડેલિગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાયાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપી હતી.
ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે ૨૧મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઉર્જા છે જે દરેક ક્ષેત્રના વિકાસ, દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે આપણને જ્ઞાન અને વિજ્ઞાનનો પરિચય થાય છે ત્યારે દુનિયાની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. વિજ્ઞાન એ સમસ્યાના ઉકેલોનો આધાર છે. આ પ્રેરણાથી આજનું નવું ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન(Innovation)ના નારા સાથે આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો આપણે વીતેલી સદીના શઆતના દાયકાઓને યાદ કરીએ તો આપણને ખબર પડે છે કે વિશ્વ કેવી રીતે વિનાશ અને દુર્ઘટનાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તે સમયગાળામાં પણ પૂર્વ હોય કે પશ્ર્ચિમ, દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો તેમની મહાન શોધમાં રોકાયેલા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોથી વિશ્વને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે જ સમયગાળામાં સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા, એસ. ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે. ૨૦૧૪થી વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત વૈશ્ર્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ૪૬માં ક્રમે છે, જે ૨૦૧૫માં ૮૧માં સ્થાને હતું.
ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરી પ્લેટફોર્મ પૂરૂં પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને રાજ્યોમાં STI (સાયન્સ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન) માટેના વિઝનને પહોંચી વળવાના ખાસ ઉદ્દેશ્ય સાથે આ બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે