ભારત વાતચીત કરી શકતો ‘લેડી રોબોટ’ અવકાશમાં મોકલશે!

 

બેંગ્લુરુઃ ભારતના સમાનવ અવકાશ મિશન ગગનયાનની પૂર્વતૈયારી માટે એક લેડી રોબોટને ઇસરોએ અવકાશમાં મોકલવાનું નક્કી કર્યું છે. ગુરુવારે ઇસરોના ચેરમેન કે. સિવને આ અંગે માહિતી આપી હતી. એ પ્રમાણે આ રોબોટનું નામ વ્યોમમિત્ર અપાયું છે. વ્યોમમિત્ર મનુષ્યની માફક વાતચીત કરી શકશે, અન્ય મનુષ્યને ઓળખી શકશે અને નકલ પણ કરી શકશે. ઇસરોએ ખાસ સ્પેસ મિશન માટે આ રોબોટ તૈયાર કર્યો છે. ભારતનું સમાનવ અવકાશ મિશન ડિસેમ્બર ૨૦૨૧માં રવાના થવાનું છે. 

સમાનવ અવકાશ મિશન સાથે અનેક ખતરા જોડાયેલા હોય છે. આ ખતરા અંગે જાણકારી મળી શકે અને અનુભવ લઈ શકાય એટલા માટે ઇસરોએ આ રિહર્સલની તૈયારી કરી છે. સંસ્કૃત શબ્દ વ્યોમ (આકાશ) અને મિત્ર એકઠા કરીને આ નામ અપાયું છે. ઇસરોના બેંગ્લુરુસ્થિત આવેલા હેડક્વાર્ટરમાં આ વ્યોમિત્રની પ્રતિકૃતિને પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. મનુષ્ય જેવું વર્તન કરી શકતા રોબોટને હ્યુમોનોઇડ કહેવામાં આવે છે. આ રોબોટના પગ નથી, ઉપરનો ભાગ જ બનાવાયો છે. માટે ઇસરોએ એને અડધી હ્યુમોનોઇડ એવી ઓળખ આપી છે. આ રોબોટે અહીં આવનારા મુલાકાતીઓનું શાબ્દિક સ્વાગત કરી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. એ દરમિયાન રોબોટે પોતાની ઓળખ પણ આપી હતી. પગ ન હોવાથી એ માત્ર ડાબે-જમણે અને આગળ-પાછળ વળી શકે છે. આ રોબોટ સ્વિચ પેનલ ઓપરેટ કરવાનું એટલે કે ચાંપ-ચાલુ બંધ કરવાનું કામ કરી શકે છે. એ ઉપરાંત એ અવકાશયાત્રીઓને ઓળખી તેમની સાથે વાત કરી શકશે અને તેમના સવાલોના જવાબ પણ આપી શકશે. ડિસેમ્બર ૨૦૨૧માં સમાનવ મિશન રવાના થાય એ પહેલાં પરીક્ષણ માટે બે ફ્લાઇટ યોજાશે. એક ફ્લાઇટ ડિસેમ્બર ૨૦૨૦માં અને બીજી જૂન ૨૦૨૧માં રવાના થશે. એમાંથી કોઈ એક અથવા બંને ફ્લાઇટમાં વ્યોમિત્રને અવકાશની ખેપ કરાવાશે.

કે. સિવાને કહ્યું હતું કે આ રોબોટને મોકલવાથી મનુષ્ય સામે અવકાશમાં આવનારા પડકારોને સમજી શકાશે. એ પછી સમાનવ અવકાશ મિશનની તૈયારીમાં જરૂરી ફેરફારો કરી શકાશે. તેમણે એ પણ કહ્યું હતું કે માત્ર સમાનવ મિશનથી આપણે અટકવાના નથી. ભવિષ્યમાં અવકાશ મથક બાંધી શકાય એ માટે પણ આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. અવકાશ મિશન માટે ઇન્ડિયન એરફોર્સમાંથી ચાર પાયલોટની પસંદગી કરી લેવાઈ છે. આ ચાર પૈકી કેટલા અવકાશમાં જશે એ વિગતો મિશન વખતે જ નક્કી કરવામાં આવશે. હાલમાં ચારેયને રશિયા સાથે મળીને તાલીમ આપવાની છે. આ ચારેયની ઓળખ અંગેની વિગતો પણ ઇસરોએ જાહેર કરી નથી.