ભારત- રશિયા વચ્ચે એસ-400 મિસાઈલ કરાર થયા , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું , આપણે વધુ મજબૂત બની જઈશું.

0
971

 

ભારત – રશિયા વચ્ચે શુક્રવારે 5મી ઓકટોબરે એસ- 400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સહિત સંખ્યાબંધ મહત્વના કરાર  પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં બન્ને દેશોના વડાઓ વચ્ચે થયેલા કરાર અને મંત્રણા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે મજબૂત અને ગાઢ સંબંધો છે. બન્ને દેશોના સંબંધોને આ કરારોથી નવી ઉર્જા અને નવી દિશા મળી છે. અમે રશિયા સાથેની ભાગીદારીનું  સ્વાગત કરીએ છીએ. આગામી સમયગાળામાં બન્ને દેશો વધુ મજબૂત બનશે. કરવામાં આવેલા કરાર (એમઓયુ) અંતર્ગત, ભારત અંતરિક્ષ યોજના, આતંકવાદ, જલવાયુ પરિવર્તનના ક્ષેત્રોમાં રશિયાને સહકાર આપશે.

વડાપ્રધાનો વધુમાં જણાવ્યું હતું કે, અમે રશિયા સાથેના અમારા સંબંધોને પ્રાથમિકતા ( પ્રાયોરિટી) આપીએ છીએ. રશિયા હંમેશા ભારતના વિકાસમાં સહભાગી રહ્યું છે. આતંકવાદની વિરુધ્ધ લડત આપવા  તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો પેસિફિ્ક ઘટનાઓ, જળવાયુ પરિવર્તન અને એસસીઓ, બ્રિક્સ, જી-20 તેમજ આસિયાન જેવા સંગઠનોમાં બન્ને રાષ્ટ્રોના સમાન હિત છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામિર પુટિને એમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનને બીજીવાર વ્લાદિવોસ્તોક ફોરમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપતાં મને ખૂબ જ આનંદ થાય છે. ત્યારબાદ તેમણે મોદીને સિરિયાની પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઈરાન સાથેના કરારમાંથી અમેરિકા પાછું હટી ગયું તેનાથી શું સંભવિત પરિણામો આવી શકે છે એ અંગે પણ અમે ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન બે દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. જેમાં રશિયાના ઉપ- વડાપ્રધાન યુરી બોરિસોવ, વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ  તેમજ વ્યાપાર અને ઉદ્યોગપ્રધાન ડેનિસ મંતુરોવનો સમાવેશ થાય છે.