ભારત મંડપમનું વડાપ્રધાને કર્યું ઉદઘાટનઃ ભારત ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થઇ જશે: મોદી

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં કન્વેન્શન સેન્ટર (IECC Complex)નું ઉદધાટન કર્યું. પ્રગતિ મેદાનના આ કન્વેન્શન સેન્ટરનું નામ ‘ભારત મંડપમ’ રખાયું છે. 2700 કરોડ રૂપિયાના ખર્ચે આ પરિસર તૈયાર કરાયું છે. લગભગ 123 એકર વિસ્તારની સાથે આ પરિસર દુનિયાના ટોચના 10 પ્રદર્શની અને સંમેલન પરિસરોમાંથી એક છે. સંમેલન કેન્દ્રના લેવલ-3 પર 7000 લોકોને બેસવાની ક્ષમતા છે, જે આ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સિડની ઓપેરા હાઉસથી મોટું છે, જ્યાં અંદાજિત 5,500 લોકોને બેસવાની વ્યવસ્થા છે. સપ્ટેમ્બરમાં ભારતના નેતૃત્વમાં G-20 નેતાઓની બેઠકમાં યજમાની માટે સમગ્ર રીતે તૈયાર છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર ભારત મંડપમમાં સ્મારક ટિકિટ અને સિક્કા જારી કર્યા હતાં. વડાપ્રધાન મોેદીએ જણાવ્યું હતું કે ભારત મંડપમને જોઇને દરેક ભારતીય આનંદિત છે અને ગર્વ અનુભવી રહ્યો છે. ભારત મંડપમ ભારતના સામાર્થ્ય અને નવી ઉર્જાનું આહવાન છે. ભારત મંડપ ભારતની ભવ્યતા અને ઇચ્છા શક્તિનું પ્રતિબિંબ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વના ત્રણ મોટા અર્થતંત્રો પૈકીનું એક હશે, આ મોદીની ગેરંટી છે. આજે દેશનો વિકાસ મજબૂત થઇ ગયો છે કે હવે ભારતની વિકાસ યાત્રા રોકાવાની નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રથમ કાર્યકાળમાં ભારતીય અર્થતંત્રનું વિશ્વમાં દસમુ સ્થાન હતું. બીજા કાર્યકાળમાં ભારત પ્રથમ પાંચ અર્થતંત્રોમાં સામેલ થઇ ગયું છે. અને હવે ત્રીજા કાર્યકાળમાં ભારત પ્રથમ ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મેળવી લેશે.
‘ભારત મંડપમ’નું ઉદધાટન કરતા વડાપ્રધાને કહ્યું કે, કોઈ પણ સમાજ કે દેશને ટુકડામાં કામ કરીને આગળ ન વધારી શકાય. તેઓ બોલ્યા કે, આપણી સરકાર ખૂબ દૂરનું વિચારીને કામ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે એક કવિતા પણ સંભળાવી હતી. તેમણે કારગીલ વિજય દિવસના પ્રસંગે કારગીલ યુદ્ધના શહીદોને પણ યાદ કર્યા હતાં. આ પ્રસંગે મોદીએ વિપક્ષની ટીકા કરી હતી. આ નિર્માણને રોકવા માટે નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોએ અનેક પ્રયત્નો કર્યા હતાં અને કોર્ટમાં પણ ગયા હતાં.
આઇસીસી કોમ્પ્લેક્સ વિશ્વના ટોચના ૧૦ પ્રદર્શન અને સંમેલન પરિસરો પૈકીનું એક છે. અહીં સપ્ટેમ્બરમાં જી-૨૦ દેશોના નેતાઓની બેઠક યોજાશે.