ભારત બાયોટેક અને સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ઇન્ડિયા વચ્ચેના વિવાદનો અંત

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો  ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. સાથે જ દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. અને હવે ટૂંક સમયમાં જ દેશમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થશે, એટલે લોકોનું ધ્યાન રસીકરણ પર છે.

મંગળવારે સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારતમાં કોરોના રસી બનાવતી ભારત બાયોટેક  દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. બંને સંસ્થાઓએ આખા દેશમાં કોરોના રસી પહોંચાડવાના પ્રયત્નોની વાત કરી છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બંને કંપનીના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી વાક યુદ્ધમાં રોકાયેલા હતા અને દેશમાં ભારે વિવાદ સર્જાયો હતો. મંગળવારે બંને કંપનીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, અદાર પૂનાવાલા અને કૃષ્ણ ઇલ્લાએ દેશમાં કોરોના રસીનું ઉત્પાદન, સપ્લાય અને વિતરણ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરી. બંને સંસ્થાઓ માને છે કે આ સમયે ભારત અને વિશ્વના લોકોનું જીવન બચાવવું એ એક મોટું લક્ષ્ય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે ભારતમાં કટોકટીના ઉપયોગ માટે બે કોરોના રસીઓને મંજૂરી આપવામાં આવી છે, અમારું ધ્યાન રસી બનાવવા, સપ્લાય કરવા અને વિતરણ કરવા પર છે. અમારી સંસ્થાઓ દેશના હિતમાં આ કામ કરવાનું ચાલુ રાખશે અને આગળ વધશે . નિવેદનના અંતે, એવું કહેવામાં આવે છે કે બંને કંપનીઓ રસી દેશ અને વિશ્વમાં સાથે લાવવાનું વચન આપે છે. હકીકતમાં જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી મળી હતી, ત્યારે સીરમ સંસ્થાના અદાર પૂનાવાલા તરફથી એક નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે ફક્ત કહ્યું કે ઓક્સફર્ડ, મોડર્ના અને ફાઇઝરની રસીઓ જ સલામત છે અને અન્ય પાણી જેવા છે. આ નિવેદન બાદ ભારત બાયોટેકના કૃષ્ણ ઇલ્લાએ કહ્યું હતું કે તેમને આવા નિવેદનની અપેક્ષા નહોતી. તેમણે કહ્યું હતું કે, અમે અમારું કાર્ય પ્રામાણિકપણે કર્યું છે, પરંતુ જો કોઈ અમારી રસીને પાણી કહે છે, તો તે બિલકુલ સ્વીકાર્ય નથી. અમે વૈજ્ઞાનિકો છીએ અમે અમારું કાર્ય કર્યું છે. આપને જણાવી દઇએ કે ઘણી રાજ્ય સરકારો અને નેતાઓએ આ બે કંપનીઓ વચ્ચે ચાલતા વાક યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સૂચન કર્યું હતું કે કેન્દ્ર સરકાર વચ્ચે પડે.