

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ વચ્ચે પરમાણુ ઊર્જા સહિત 14 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મંત્રણા પછી આ કરાર થયા હતા. હિન્દ મહાસાગરમાં ચીનના વધી રહેલા પ્રભાવને ધ્યાનમાં રાખતાં સલામતી અને પરમાણુ ઊર્જા સહિતની સંધિ વધુ મહત્ત્વની મનાય છે. મેક્રોનની મુલાકાતને આર્થિક-રાજકીય-વ્યૂહાત્મક પરિબળને મજબૂત બનાવવા તરીકે જોવાઈ રહી છે. બન્ને દેશોની કંપનીઓ વચ્ચે 16 અબજ ડોલરના કરાર થયા હતા.
મેક્રોન શુક્રવારે રાતે નવી દિલ્હી આવ્યા હતા. શનિવારે તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો.
વ્યૂહાત્મક સંબંધોનો વ્યાપ વધારવાની દિશામાં બન્ને દેશો વચ્ચેના કરારો થયા હતા. શિક્ષણ, પર્યાવરણ, શહેરી વિકાસ, રેલવે સહિતનાં ક્ષેત્રોને આ કરારમાં આવરી લેવાયાં હતાં. પ્રમુખ મેક્રોન સાથેની બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે સલામતી અને સંરક્ષણ જેવા મહત્ત્વનાં ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે તંદુરસ્ત સહકાર અને ભાગીદારી છે. બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી 20 વર્ષ જૂની છે, પણ સાંસ્કૃતિક-આધ્યાત્મિક ભાગીદારી ઘણી જૂની છે.
મોદીએ કહ્યું કે આતંકવાદ સામે ભારત-ફ્રાન્સ સાથે મળીને લડશે.
બન્ને દેશો વચ્ચેના કરારમાં યુદ્ધજહાજો માટે નૌકામથક ખુલ્લાં મૂકવાનો અને એકબીજાની લશ્કરી સુવિધાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. અત્યારે ઇન્ડો-પેસેફિક વિસ્તારમાં ચીનનો લશ્કરી દબદબો વધી રહ્યો છે ત્યારે આ કરાર મહત્ત્વના સાબિત થશે.
ભારત-ફ્રાન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સમિટનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ભવનમાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સમિટમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સહિત 23 દેશોના વડા, 10 દેશોના મંત્રીઓ, 121 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મોદીએ કહ્યું કે 2022 સુધીમાં ભારત સૌર ઊર્જાથી 100 ગીગાવોટ વીજ ઉત્પાદન કરશે.
વડા પ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોને 2018ના અંત સુધીમાં ભારતમાં વિશ્વના સૌથી મોટા પરમાણુ વીજમથકના નિર્માણ કરવાનો પુનરુચ્ચાર કર્યો હતો. આ વીજમથક 9.6 ગીગાવોટ વીજળી પેદા કરશે.

દરમિયાન સોમવારે મોદીએ મેક્રોનને પોતાના મતવિસ્તાર વારાણસીમાં બોટમાં ગંગા નદીની સૈર કરાવી હતી. તેઓ અસ્સીઘાટથી નૌકા દ્વારા ત્રણ કિલોમીટર દૂર આવેલા દશાશ્વમેધઘાટ પહોંચ્યા હતા. મેક્રોનના માનમાં ગંગાના ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતની ઝલક રજૂ કરવામાં આવી હતી.