ભારત પાકિસ્તાન  વચ્ચે તંગદિલીઃ સરહદ પર ધષૅણ

 

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં અંકુશ હરોળ પર ગુરેઝ અને ઉરી સેકટરમાં પાકિસ્તાને સરહદ પારથી ભારે તોપમારો કરીને અનેક સ્થળે યુદ્ધ વિરામ ભંગ કર્યા હતા જેમાં કુલ ૧૧નાં મોત થયા હતા જેમાં પાંચ સુરક્ષા જવાનોનો સમાવેશ થતો હતો. ભારતીય દળોએ સખત વળતો જવાબ આપીને પાકિસ્તાની લશ્કરમાં જાનહાનિ સર્જી હતી અને તેના માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જો કે ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનના આઠ સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો જેમાં સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના બે કમાન્ડરોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ૧૨ સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.

બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં કમલકોટ સેક્ટરમાં બે નાગરિકો આ ફાયરિંગમાં માર્યા ગયા હતા જ્યારે ઉરીના હાજી પીર સેક્ટરમાં બાલાકોટ વિસ્તારમાં એક મહિલાનું પણ મોત થયું હતું. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની આક્રમણમાં અનેક વ્યક્તિઓ ઘાયલ થયા છે. તેઓએ જણાવ્યું હતું કે ઉરીમાં વિવિધ સ્થળો ઉપરાંત, બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરના ઇઝમાર્ગ અને કુપવાડા જિલ્લાના કેરન ક્ષેત્રમાંથી યુદ્ભ વિરામ ભંગના બનાવના અહેવાલ હતા. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધવિરામના ભંગ દરમિયાન સેનાએ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. 

શ્રીનગર સ્થિત સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, કેરન સેક્ટરમાં (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં) એલઓસીની બાજુમાં ફોરવર્ડ પોસ્ટ પર અમારા સૈનિકોને શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. ઘૂસણખોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં ભારતીય દળોને સફળતા મળી હતી.