ભારત-નેપાળ વચ્ચે ‘રોટી-બેટી’નો સંબંધ, કોઈ તાકાત તેને તોડી શકે નહિઃ રાજનાથ સિંહ

 

નવી દિલ્હીઃ ભારત-નેપાળનો સંબંધ રોટી-બેટીનો છે. દુનિયાની કોઈ પણ તાકાત આ સંબંધને તોડી શકશે નહિ. ભારત અને નેપાળ વચ્ચે જે પણ કોઈ ગેરસમજ હશે તો અમે તેને વાતચીત દ્વારા ઉકેલશું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ મહત્ત્વની વાતો ઉત્તરાખંડના ભાજપ કાર્યકરોને ‘જનસંવાદ રેલી’ના માધ્યમથી કરેલા સંબોધન દરમિયાન કરી. તેમણે વધુમાં કહ્યું કે, આપણા ત્યાં ગોરખા રેજિમેન્ટે સમયાંતરે પોતાના શૌર્યનો પરિચય આપ્યો છે. તે રેજિમેન્ટનો ઉદ્ઘોષ છે કે ‘જય મહાકાળી, આયો રી ગોરખાલી’. મહાકાળી તો કોલકાતા, કામાખ્યા અને વિધ્યાંચલમાં વિદ્યમાન છે તો કેવી રીતે ભારત અને નેપાળનો સંબંધ તૂટી શકે? હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભારતીયોના મનમાં ક્યારેય નેપાળને લઈને કોઈ પણ પ્રકારની કટુતા પેદા થઈ શકે નહિ. આટલો ગાઢ સંબંધ અમારો નેપાળ સાથે છે. અમે બેસીને આ બધી સમસ્યાઓનું સમાધાન કરીશું.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, લિપુલેખમાં સરહદ સડક સંગંઠન દ્વારા બનાવવામાં આવેલો રોડ એકદમ ભારતીય સરહદની અંદર છે. તેમણે કહ્યું કે પહેલા માનસરોવર જનારા મુસાફરો સિક્કિમના નાથુલા રસ્તેથી જતા હતાં. જેનાથી વધુ સમય લાગતો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (ગ્ય્બ્)એ લિપુલેખ સુધી એક લિંક રોડનું નિર્માણ કર્યું. જેનાથી માનસરોવર જવા માટે એક નવો રસ્તો ખુલી ગયો. આપણા પાડોશી દેશ નેપાળમાં આ રોડને લઈને કેટલીક ગેરસમજ પેદા થઈ. જેને વાતચીત દ્વારા ઉકેલીશું. 

રાજનાથ સિંહે નેપાળને ભારતની સાથે તેની યાદોને યાદ અપાવવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે નેપાળની સાથે અમારા ફક્ત સામાજિક, ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો જ નથી. પરંતુ આધ્યાત્મિક સંબંધો પણ છે. ભારત-નેપાળનો સંબંધ રોટી-બેટીનો છે. દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકે નહિ. તેમણે કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભારતીયોના મનમાં ક્યારેય નેપાળને લઈને કોઈ પણ પ્રકારની કટુતા પેદા થઈ શકે નહિ. એટલો ગાઢ સંબંધ અમારે નેપાળ સાથે છે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસથી નેપાળના તેવરમાં ચીનની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પહેલા તેણે લિપુલેખ લિંક રોડ પર આપત્તિ જતાવી. ત્યારબાદ પોતાના દેશનો નવો નક્શો બહાર પાડતા ભારતના અનેક વિસ્તારોને પોતાની સરહદમાં સમાવી દીધા. ત્યારબાદ બિહારથી લાગેલી નેપાળની  બોર્ડર પર અચાનક નેપાળ સશસ્ત્ર પોલીસે ફાયરિંગ કર્યું જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું અને ૩ ઘાયલ થયા