ભારત દુનિયાની ફાર્મસી બન્યોઃ છ માસમાં ૩૦ કરોડ લોકોના રસીકરણની તૈયારી

 

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાની રસી વિકસાવવા માટેની હોડ જામી છે, ત્યારે ભારત આ રસીને વિકસાવવા અને એનું ઉત્પાદન કરવામાં આત્મનિર્ભર બનવા આતુર છે. જ્યારે ભારતની ઓછામાં ઓછી પાંચ ફાર્માસ્યુટિકલ કંપનીઓ રસી વિકસાવવામાં સંકળાયેલી છે. પુણેની સિરમ ઇનિ્સ્ટટયૂટની પસંદગી ઓક્સફર્ડ-એસ્ટ્રા ઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડશીલ્ડ રસીનું જંગી ઉત્પાદન કરવા માટે થઈ છે. સરકારે માગ પૂર્ણ કરવા માટે કોવિડ-૧૯ રસીના ઉત્પાદન અને ડિલિવરીની મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવાની કામગીરી શરૂ કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં રસીના વિકાસની કામગીરીની પ્રગતિ પર વ્યક્તિગત નજર રાખી રહ્યા છે. તેમણે શનિવારે અમદાવાદમાં ઝાયડસ, પુણેમાં સિરમ ઇનિ્સ્ટટયૂટ અને હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમ જ પુણેની જેનોવા બાયોફાર્મા તથા હૈદરાબાદમાં બાયોલોજિકલ ઇ અને ડો. રેડ્ડીસ લેબોરેટરીઝ દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી રસીની પ્રગતિની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. 

વડા પ્રધાને નિયમનકારી પ્રક્રિયાઓ અને સંબંધિત બાબતો માટે કંપનીઓને તેમનાં સૂચનો અને વિચારો રજૂ કરવા જણાવ્યું હતું. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે તેમણે રસી વિશે અને એની અસરકારકતા જેવી સંબંધિત બાબતો વગેરે પર સરળ ભાષામાં સામાન્ય જનતાને માહિતી આપવા વધારે પ્રયાસો કરવા જોઈએ. રસી આપવા માટે લોજિસ્ટિક્સ, પરિવહન, કોલ્ડ ચેઇન વગેરે સાથે સંબંધિત બાબતોની ચર્ચા પણ થઈ હતી. ભારત સરકારે સ્વદેશી ધોરણે રસી વિકસાવવા- પ્રોત્સાહન આપવા મિશન કોવિડ સુરક્ષા માટે ૯૦૦ કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવાની જાહેરાત કરી છે. કોવિડ-૧૯ રસી વિકસાવવા માટેનું અભિયાન સંપૂર્ણપણે નૈદાનિક વિકાસ મારફતે પૂર્વ નૈદાનિક બાબતોથી લઈને એને બજારમાં મૂકવા માટે ઉત્પાદન અને નિયમનકારી સુવિધાઓ સુધીની સંપૂર્ણ બાબતો પર ધ્યાન કેનિ્દ્રત કરશે. 

આ ગ્રાન્ટ ભારતીય કોરોના રસીના સંશોધન અને વિકાસ માટે બાયોટેકનોલોજી વિભાગને પ્રદાન કરવામાં આવશે તથા સુનિશ્ચિત કરવામાં આવશે કે તેઓ તમામ નિયમનકારી મંજૂરીઓને આધિન રહીને જાહેર આરોગ્ય વ્યવસ્થામાં પ્રસ્તુત કરવા માટે ઝડપથી કામગીરી કરે. સો દેશોના પ્રતિનિધિઓ ચાર ડિસેમ્બરના રોજ પુણેમાં સિરમ ઇનિ્સ્ટટયૂટ ઓફ ઇન્ડિયા અને જેનોવા બાયોફાર્માની મુલાકાત લેશે. સ્વીડને ભારતની ‘દુનિયાની ફાર્મસી’ તરીકેની ભૂમિકાને માન્યતા આપી છે તથા કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને જીવન વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથ સહકારને વધારવા પર ધ્યાન કેનિ્દ્રત કર્યું છે. 

દરમિયાન લક્ઝમબર્ગ સ્થિત કંપની બી સિસ્ટમ્સે પોર્ટેબલ વેક્સિન રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરવા ભારત સાથે જોડાણ કર્યું છે, જે ભારતમાં રસીના વિતરણની સમસ્યાનું સમાધાન કરશે. અહીં યાદ કરી શકાય છે કે, વડા પ્રધાન મોદીએ ૧૯ નવેમ્બરે લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બીટ્ટલ સાથે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સાથ-સહકાર વધારવા માટે પાયો નાખ્યો હતો.

છ માસમાં ૩૦ કરોડ લોકોના રસીકરણની તૈયારી

દેશમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિ વચ્ચે હવે તમામની નજર રામબાણ રસીની વાટ જોઈ રહી છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રસી વિશે વધુ એક આશાસ્પદ સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, સરકારની યોજના છ માસની અંદર ૩૦ કરોડ લોકોને રસી આપી દેવાની છે. ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, આગામી ૩-૪ માસમાં જ આપણી પાસે કોરોનાની રસી ઉપલબ્ધ બને તેવી પૂરી સંભાવના છે અને લોકોનું રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવશે. જુલાઈ-ઓગસ્ટ સુધીમાં આપણે ૨પથી ૩૦ કરોડ લોકો સુધી રસી પહોંચાડવાની યોજના ધરાવીએ છીએ. એ મુજબ જ અત્યારે સરકાર કામ પણ કરી રહી છે. 

એકવાર રસી ઉપલબ્ધ બની જાય પછી તેને યુદ્ધના ધોરણે સમગ્ર દેશમાં પહોંચાડવા માટેની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જ રસી તૈયાર કરતી ત્રણ પ્રમુખ સંસ્થાઓની મુલાકાત લઈને તેની પ્રગતિ વિશે જાણકારીઓ પણ મેળવી હતી. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયે પણ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે રસીકરણનાં કાર્યક્રમ માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે