ભારત-તાલિબાન વચ્ચે પહેલો સંપર્ક

 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની હકૂમત આવ્યા બાદ પહેલીવાર ભારત અને તાલિબાન વચ્ચે રાજદ્વારી સંપર્ક થયો છે. વિદેશ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર કતારમાં ભારતનાં રાજદૂત દીપક મિત્તલે પહેલીવાર તાલિબાનનાં નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનેકઝઈ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો અનુરોધ તાલિબાન તરફથી જ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સ્તાનેકઝઈ અત્યારે કતારમાં તાલિબાનનાં દૂતાવાસનાં પ્રમુખ છે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાની નેતા અને ભારતીય રાજદૂત વચ્ચે અફઘાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને જલ્દી ભારત પરત લાવવા બાબતે ચર્ચા થઈ હતી. આ ઉપરાતં જે અફઘાનિસ્તાન છોડી ભારત આવવા માગતા હોય તેવા લોકો, ખાસ કરીને લઘુમતી બાબતે પણ વાતચીત થઈ હતી. 

ભારત તરફથી અફઘાનિસ્તાનની જમીનનો ભારત ખિલાફ આતંકવાદી ઉપયોગ થવાની આશંકા વિશે પણ ભારતે ચિંતા દર્શાવી હતી. તાલિબાની પ્રતિનિધિ તરફથી આ તમામ મુદ્દે સકારાત્મક અભિગમનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.