ભારત- ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ ના 36 કલાક બાદ ભારત સરકારે અધિકૃત નિવેદન કર્યું —વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 4 મિનિટ અને 12 સેકન્ડ સુધી વકતવ્ય આપ્યું …

 

 ભારત- ચીનની સીમા પર તંગદિલી હર પળે વધતી રહી છે. ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કડક પ્રતિભાવ વ્યકત કર્યો હતો. તેઓ આશરે 4 મિનિટ સુધી બોલ્યા હતા, જેમાં આશરે 303 શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. દેશનું સાર્વભૌમત્વ સર્વોચ્ચ છે. દેશની સુરક્ષા કરતાં અમને કોઈ નહિ રોકી શકે. તેમણે  વિશેષમાં જણાવ્યું હતું કે, ભારત શાંતિ ચાહે છે, પરંતુ જો ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરાશે તો દરેક સ્થિતમાં ભારત એનો યોગ્ય જવાબ આપશે, દેશનું રક્ષણ કરતાં અમને કોઈ રોકી શકશે નહિ. એ અંગે કોઈના મનમાં કશી દ્વિધા કે સંદેહ ના હોવો જોઈએ. ભારતને એ વાતનું ગૌરવ છે કે આપણા સૈનિકો દુશ્મનોને મારતા મારતા શહૈાદત પામ્યા હતા. મારો તમામ મુખ્યમંત્રીઓને આગ્રહ છે કે આપણે આ બે મિનિટ માટે આપણા સ્થાન પરથી ઊભા થઈને મૌન રહીને આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ . 

 ગૃહપ્રધાન અમિત શાહે શહીદોને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, હું દેશના એ તમામ પરિવારોને વંદન કરું છું , જેમણે દેશને આવા વીર શહીદો આપ્યા છે. પોતાની માતૃભૂમિની રક્ષા માટે જાન કુરબાન કરનારૈા વીરોના બલિદાનને બિરદાવવાની શબ્દોમાં તાકાત નથી. ભારત- ચીન સીમા પર જીવનનું બલિદાન આપનારા તમામ મહાન સૈનિકોના પરિવારની પડખે આખો દેશ અને વડાપ્રધાન મોદી ઊભા છે. આદરણીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ પણ લડાખની ખીણમાં લડતાં લડતાં શહીદ થનારા વીર સૈનિકોને શ્ર્રધ્ધાંજલિ આપી હતી.