ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની કોઈ ચિંતા નથીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પ્રદુષણના મુદ્દે ચીનની સાથે સાથે ભારતની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા પર કાબૂ મેળવવા માટે થયેલું પેરિસ એગ્રિમેન્ટ એકતરફી હતું અને એટલે જ અમેરિકાએ તેમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો. કારણકે ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની ચિંતા નથી પણ અમેરિકા પોતાના દેશની હવાની પરવા કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં થયેલા પેરિસ એગ્રીમેન્ટમાં સામેલ થવાનો ટ્રમ્પે ઈનકાર કરી દીધો હતો. આ કરારમાં પર્યાવરણ માટે હાનિકારક ગ્રીન હાઉસ ગેસોનુ ઉત્સર્જન ઓછું થાય તે માટે પગલાં ભરવા પર ભાર મુકાયો હતો. કરારના ભાગરૂપે ભારત જેવા વિકાસશીલ દેશોને તેમાં થોડી રાહત આપવાની વાત હતી.

આ મુદ્દે પ્રમુખ ટ્રમ્પે ફરી કહ્યું છે કે, આ કરાર પર અમેરિકાએ સહીઓ કરી હોત તો અમેરિકાની અગણિત નોકરીઓ અને ફેક્ટરીઓ ચીન અને તેના જેવા બીજા પ્રદુષણ ફેલાવતા દેશો પાસે જતી રહી હોત. ચીન પોતે તો પોતાના પર્યાવરણની ચિંતા કરતું નથી, ભારત પણ કરતું નથી અને નથી રશિયા કરતું. હું જ્યાં સુધી અમેરિકાનો રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી અમેરિકા ફર્સ્ટની નીતિ લાગુ રહેશે.

તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષો સુધી આપણે બીજા દેશોને પ્રાથમિકતા આપતા રહ્યાં છે પણ હવે આપણો દેશ આપણી પ્રાથમિકતા છે. પેરિસ કરારથી અમેરિકાને અબજો ડોલરનો ફટકો પડ્યો હોત, અમેરિકા વૈશ્વિક સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાત. મારી સરકારે ઓબામા પ્રશાસનના આ કરાર પર સહી કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. આ કરાર પર સહી નહી કરવાના કારણે ૭૦ વર્ષમાં પહેલી વખત અમેરિકા ઉર્જાની નિકાસ કરનાર દેશ બન્યો છે. આજે અમેરિકા ઓઈલ અને ગેસના ઉત્પાદનમાં નંબર વન છે.

આ પહેલા પણ ભારત અને ચીન પર નિશાન સાધીને ટ્રમ્પ કહી ચુક્યા છે કે, ભારત અને ચીન જેવા દેશ પોતાના દેશમાં પ્રદુષણને ઘટાડવા કશું કરી રહ્યા નથી. તેઓ પોતાનો કચરો સમુદ્રમાં વહાવી દે છે અને તે વહીને અમેરિકા સુધી આવતો હોય છે. પણ તેના પર કોઈ વાત નથી કરતું. બસ બધા અમેરિકા માટે કહે છે કે, અમારે વધારે પ્લેન ના ઉડાવવા જોઈએ અને બીજા નિયંત્રણો મુકવા જોઈએ