ભારત કોરોનાથી પ્રભાવિત દુનિયાનો ચોથો વધુ પ્રભાવિત દેશ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૮૮૧ નવા કેસ

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીના કારણે દેશમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં જરાય કમી આવી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હવે કોરોના વાઇરસથી સંક્રમિત દેશોના રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. ફક્ત ચોવીસ કલાકમાં આ જીવલેણ વાઇરસથી ૩૩૮ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાઇરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૨૮૮૧ નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા એક દિવસની અંદર આ મહામારીના કારણે દેશમાં લગભગ ૩૩૪ લોકોના મૃત્યુ થયા છે. એક સારી વાત એ પણ છે કે કોરોના વાઇરસથી દેશમાં જેટલા લોકો અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે તેમાંથી અડધા કરતા વધુ લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૩૬૬,૯૪૬ પોઝિટિવ કેસ આવ્યાં છે. જેમાંથી લગભગ ૧૯૪,૩૨૫ લોકો સાજા થયા છે. રિકવરી રેટ જોવા જઈએ તો ૫૨.૯૫ ટકા છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧૨૨૩૭ લોકોના મૃત્યુ થયા છે.