ભારત ઇતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે ઃ ડો. મનમોહન સિંહ

 

નવી દિલ્હીઃ ભારત માત્ર કેટલાંક જ વર્ષમાં ઉદારવાદી લોકતંત્રના વૈશ્વિક ઉદાહરણમાંથી આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતીવાદી દેશ બની ગયો છે અને દેશની વર્તમાન સ્થિતિ માટે મોદીસરકાર જવાબદાર છે, એમ ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું હતું. 

ડો. મનમોહન સિંહનું કહેવું છે કે ભારતમાં હાલ ત્રણ તરફથી જોખમ તોળાઈ રહ્યું છે. દેશમાં સામાજિક સૌહાર્દ ઘટી રહ્યું છે, આર્થિક મંદી ફેલાઈ છે અને કોરોના વાઇરસનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. વડા પ્રધાન મોદીએ માત્ર તેમના શબ્દોથી જ નહિ, કાર્યોથી પણ લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે આ સમસ્યાઓનો સામનો કરવામાં દેશ સક્ષમ છે. 

તેમણે મોદીસરકારને આ ત્રણે જોખમોનો સામનો કરવા માટે સૂચનો પણ કર્યાં હતાં. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે એક લેખમાં જણાવ્યું છે કે સામાજિક તણાવ અને આર્થિક પતન સ્વ-પ્રેરિત છે, પરંતુ કોરોના વાઇરસનું જોખમ બાહ્ય ફટકો છે. આ જોખમો માત્ર દેશના આત્માના લીરે-લીરા ઉડાવવાની સાથે દુનિયામાં આપણી આર્થિક અને લોકતાંત્રિક તાકાત અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં પણ ઘટાડો કરશે. 

દિલ્હીમાં તાજેતરમાં થયેલાં રમખાણોને ટાંકીને તેમણે લખ્યું છે કે તાજેતરમાં દિલ્હીમાં ભીષણ હિંસા થઈ. આ ભારતના ઇતિહાસના કાળા પાનાની યાદ અપાવે છે. પોલીસ પર નિશાન સાધતાં સિંહે કહ્યું, કાયદોવ્યવસ્થા લાગુ કરનારાઓએ નાગરિકોની સલામતીનો તેમનો ધર્મ છોડી દીધો. ન્યાયતંત્ર અને લોકતંત્રના ચોથા સ્તંભ સમાન મીડિયાએ પણ આપણને નિરાશ કર્યા છે. 

ડો. મનમોહન સિંહે વધુમાં લખ્યું છે કે દેશમાં સામાજિક તણાવની આગ ફેલાઈ રહી છે, જે આપણા દેશના આત્મા માટે જોખમ બની ગઈ છે. આ આગ જેમણે ફેલાવી છે તેઓ જ ઓલવી શકે છે. વધુમાં, તેમણે ઉમેર્યું છે કે સામાજિક તણાવની અસર દેશના અર્થતંત્ર પર પણ પડશે. આપણું અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે એવા સમયમાં સામાજિક તણાવથી આર્થિક મંદી વધુ ઘેરી બનશે.