ભારત આત્મઘાતી રસ્તા પર, પાછા ફરવું મુશ્કેલઃ દિલ્હી હિંસા પર ફરી પાક વડા પ્રધાન ઇમરાનનો ચંચૂપાત

 

ઇસ્લામાબાદઃ દિલ્હી હિંસા પર ફરી એકવાર  પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભડકાઉ નિવેદન આપ્યું છે. ભારતના તમામ મામલાઓમાં ચંચૂપાત કરવાની ટેવ ધરાવતા ઇમરાને ફરી કહ્યું હતું કે ભારત બહુ ખતરનાક રસ્તા પર છે ને ત્યાંથી પાછા ફરવું તેને માટે બહુ મુશ્કેલ છે. ભારતમાં જે રીતે આરએસએસની ફાંસીવાદી વિચારધારા અપનાવવામાં આવી છે એનાથી માત્ર ખૂનખરાબો જ થવાનો છે. ભારતમાં હિન્દુત્વની વિચારધારા મુસ્લિમો-ખ્રિસ્તીઓ સામે નફરત ફેલાવી રહી છે. હવે બીજી લઘુમતીઓ પણ ટાર્ગેટ બનશે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીને કહ્યું હતું કે આટલી મોટી લઘુમતીને સાઇડ લાઇન કરવાની ભારત સરકારની નીતિનાં ગંભીર પરિણામ આવશે. ભારતીય મીડિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પણ પાકિસ્તાનના વખાણ કરવા બદલ ટીકા કરી હતી. મને લાગે છે કે ભારત જે રસ્તા પર ચાલી નીકળ્યું છે એ તેના માટે આત્મઘાતી સાબિત થશે. જ્યારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે જ મેં વિશ્વના નેતાઓને હિન્દુત્વવાદી વિચારધારાનાં પરિણામો સમજાવવાની કોશિશ કરી હતી, પણ બદકિસ્મતીથી કોઈ સમજ્યું નહોતું. મારી આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ છે કે હવે તેઓ કાર્યવાહી કરે, નહિતર ભારતમાં સ્થિતિ વધારે ખરાબ થતી જશે.