ભારતે શ્રી લંકાને 15 મિલિયન અમેરિકન ડોલરની મદદ કરી

કોલંબોઃ ભારતે શ્રીલંકને બે રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતા બૌદ્ધ જોડાણને મજબૂત કરવા માટે ૧૫ મિલિયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ ફાળવી છે. આ દ્વિપક્ષીય કરાર પર કોલંબોમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાની ત્રિદિવસીય મુલાકાતે રહેલા ભારતના નાણા પ્રધાન સીતારામનની હાજરીમાં રાષ્ટ્રપતિ હાઉસ ખાતે હસ્તાક્ષર કર્યા હતા.
શ્રી લંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગ્રાન્ટ હેઠળ શરૂ થનારો પ્રથમ પ્રોજેક્ટ સમગ્ર શ્રીલંકામાં ધાર્મિક સ્થળોનું સૌર વિદ્યુતીકરણ છે. જેના માટે ૧૦ મિલિયન અમેરિકન ડોલર ફાળવાયા છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર (એમઓયુ)ને ભારત અને શ્રીલંકાની સરકારો દ્વારા સંયુક્ત રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ ગ્રાન્ટ ખાસ કરીને ભારત અને શ્રીલંકા વચ્ચે લાંબા સમયથી ચાલતા બૌદ્ધ જોડાણોને મજબૂત કરવા માટે ફાળવવામાં આવી છે, જે બન્ને રાષ્ટ્રોને એકસાથે બાંધતા ઉંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂકે છે.
આ ભંડોળ બૌદ્ધ મઠોના નિર્માણ અને નવીનીકરણ, ક્ષમતા વિકાસ, સાંસ્કૃતિક વિનિમય, પુરાતત્વીય સહયોગ, અવશેષોનું પારસ્પરિક પ્રદર્શન અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ પહેલો માટે ફાળવવામાં આવશે, તેમ મીડિયા વિભાગે જણાવાયું હતું.
સીતારામન ભારતીય મૂળના તમિલોના આગમનની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે ગુરૂવારે શ્રીલંકા સરકાર દ્વારા આયોજિત એનએએએમ ૨૦૦માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેવા શ્રીલંકાની મુલાકાતે છે.