ભારતે દવા મોકલી તો એવું લાગ્યું કે જાણે હનુમાનજી સંજીવની બૂટી લઈને આવી ગયા હોય

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. બ્રાઝીલમાં પણ કોરોનાના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ભારતે બ્રાઝીલની મદદ કરી છે. બ્રાઝીલ ભારત તરફથી એક ખાસ દવા મળ્યા બાદ ભારતના ખુલ્લા મોંએ વખાણ કરી રહ્યું છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ હાઈડ્રોક્સિક્લોરોક્વીનના નિકાસ માટે મંજૂરી આપવાના ભારતના નિર્ણયને બ્રાઝીલ માટે જીવનદાયી ગણાવ્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત દ્વારા દવાની નિકાસને મંજૂરી આપવી તે એવું લાગે છે કે જેવી રીતે લક્ષ્મણની જિંદગી બચાવવા માટે ભગવાન હનુમાનજી સંજીવની બૂટી લઈને પહોંચ્યા હતા. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત પાસેથી આ દવાની માગ કરી હતી.

ભારત દ્વારા હાઈડ્રોક્સિીક્લોરોક્વીન દવાના નિકાસને મંજૂરી આપવાના નિર્ણય પર ઝાયર બોલ્સોનારોએ અત્યંત ખુશી વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું છે કે એવું લાગે છે કે જાણે ભગવાન રામના ભાઈ લક્ષમણનો જીવ બચાવવા માટે હનુમાનજી હિમાલયમાંથી સંજીવની જડીબૂટી લઈને આવ્યા હોય. ભારત અને બ્રાઝીલ સાથે મળીને જરૂરથી કોરોના સામેનો જંગ જીતી જશે. નોંધનીય છે કે ૮ એપ્રિલે હનુમાન જયંતિ અને આ અવસર પર બ્રાઝીલના રાષ્ટ્રપતિનું આ નિવેદન અત્યંત ખાસ સાબિત થયું છે