ભારતે આતંકવાદના મુદ્દે ફ્રાન્સને ટેકો આપ્યો, આતંકવાદને કોઇ રીતે ન ચલાવી લઇ શકાય

 

નવી દિલ્હીઃ ફ્રાન્સના આતંકવાદ અંગેના કડક વલણને ભારતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. વિદેશ મંત્ર્યાલયે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની વ્યક્તિગત ટીકા કરતા લોકોની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આતંકવાદને કોઇ રીતે સ્વીકારી શકાય નહીં.

ગયા પખવાડિયે ફ્રાન્સના પાટનગર પેરિસમાં ઉશ્કેરાયેલા એક મુસ્લિમે મૂળ ફ્રાન્સના એવા એક ઇતિહાસ શિક્ષકની હત્યા કરી હતી. આ શિક્ષક પોતાના વર્ગના બાળકોને હજરત મુહમ્મદ પયગંબરના ૨૦૧૫માં ચીતરાયેલા કાર્ટુન વિશે કહી રહ્યા હતા. અન્ય એક અહેવાલ મુજબ આ શિક્ષક એ કાર્ટુન દેખાડી રહ્યા હતા. એટલે એક બાળકના પિતા ઉશ્કેરાયા હતા અને ધારદાર છરીથી શિક્ષકનું માથું કાપી નાખ્યું હતું.

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખેે ઇતિહાસ શિક્ષકના પરિવારની મુલાકાત બાદ આ ઘટનાને ઇસ્લામી આતંકવાદ ગણાવીને એની આકરી ટીકા કરી હતી. એમના આ વલણની ઇસ્લામી દેશોએ ઝાટકણી કાઢી હતી અને વિશ્વના કેટલાક મુસ્લિમ આગેવાનોએ પણ આ ઘટનાને આતંકવાદી ગણાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતે ફ્રાન્સને ટેકો જાહેર કર્યો હતો કે આતંકવાદને કોઇ પણ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં