ભારતે અફઘાનિસ્તાનમાંથી અનેક રાજદ્વારીઓને પાછા બોલાવ્યા

 

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાને વધુ વિસ્તાર કબજે કરતા ભારતે કંદહારમાંના પોતાના દૂતાવાસમાંથી અંદાજે પચાસ રાજદ્વારીઓ અને સલામતી વિભાગના કર્મચારીઓને પાછા બોલાવ્યા હતા.

તાલિબાને દક્ષિણ અફઘાનિસ્તાનમાંના વધુ વિસ્તારને પોતાના કબજામાં લીધા છે. ભારતીય રાજદ્વારીઓ અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ સહિતના કર્મચારીઓને સ્વદેશ પાછા લાવવા માટે ભારતીય હવાઇ દળનું ખાસ વિમાન શનિવારે અફઘાનિસ્તાન મોકલાયું હતું. પશ્ચિમ અફઘાનિસ્તાન સહિતના અનેક વિસ્તારમાં લડાઇ થઇ રહી હોવાથી ભારતે સલામતીના કારણસર કંદહારમાંનું પોતાનું દૂતાવાસ કામચલાઉ બંધ કરી દીધું છે.

કાબુલમાંની ભારતીય એલચી કચેરીએ મંગળવારે જણાવ્યું હતું કે અમે હાલમાં આ એલચી કચેરી તેમ જ કંદહાર અને મઝારે શરીફમાંના દૂતાવાસ સંપૂર્ણ બંધ નથી કરવાના. ભારતના વિદેશ મંત્રાલયે બે દિવસ પહેલાં જણાવ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાંની સલામતીને લગતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને અફઘાનિસ્તાનમાંના ભારતીયોની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લઇશું.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરીશું.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પોતાના સલામતી દળો ઑગસ્ટના અંત સુધીમાં સંપૂર્ણ પાછા ખેંચવાના હોવાથી ત્યાં છેલ્લાં થોડાં અઠવાડિયાંથી હિંસા વધી છે.

અમેરિકાએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી પોતાના દળોને અંદાજે બે દાયકા સુધી રાખ્યા બાદ પાછા ખેંચવાની તાજેતરમાં જાહેરાત કરી તે પછી તાલિબાનની હિંસા વધી રહી છે.