ભારતીય સ્થાપત્યકલાને ઉજાગર કરતી ઈડરની ઘાટી (ઘંટી) વાવ

0
1301

અમદાવાદથી ઉત્તરે 120 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લાનું (હવે અરવલ્લી જિલ્લો) અગત્યનું શહેર ઈડર આવેલું છે. ઇલ્વદુર્ગ તરીકે અગાઉ ઓળખાતું આ શહેર ઈડર સ્ટેટનું મુખ્ય મથક હતું. 17મી સદીથી ઈડર રાજ્ય અસ્તિત્વમાં હતું. શહેર ફરતા બંધાયેલા કિલ્લા કે ઇડરિયા ગઢને ત્રણ દરવાજા છે. મીરા દરવાજા, ધુખેદા દરવાજા અને ઘંટીનો કે ઘાટીનો દરવાજો. આ દરવાજો બે ટેકરીઓની વચ્ચેની ખીણ (ઘાટી)માં જતા રસ્તા ઉપર હોવાથી તેને ઘાટીના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. ઈડરમાં દાખલ થવાના આ ઘાટીના દરવાજા પાસે ગંભીરપુરા નજીક એક વાવ આવેલી છે, જેને ઘંટીની કે ઘાટીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. વાવની નજીકમાં જ એક તળાવ કે કુંડ પૂર્વ દિશામાં આવેલો છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ અંગ્રેજ ઇતિહાસકારે તેની ઈડરની મુલાકાત સંદર્ભે રાવ જગન્નાથની નોંધ સાથે જણાવેલું છે કે તેમણે જ્યારે ઈડરની મુલાકાત લીધી ત્યારે એક વાવ અસ્તિત્વમાં હતી, જે 16મી સદીથી હતી તેમ તેના ઉપર નોંધ હતી, પરંતુ આ અંગ્રેજ ઇતિહાસકાર ફોર્બ્સે કરેલા વર્ણન પ્રમાણેની વાવ નથી તેથી તેમણે અન્ય કોઈ વાવ જોઈ હશે તેમ માનવામાં આવે છે, અને આ અન્ય વાવનું હાલમાં ત્યાં કોઈ અસ્તિત્વ જણાતું નથી.

સ્થાપત્યઃ ઘાટીવાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં રહેલી છે, જેમાં વાવનો કૂવો પૂર્વ દિશામાં છે, જ્યારે વાવમાં પ્રવેશ પશ્ચિમ દિશામાંથી છે. શહેરની પૂર્વ સરહદે આ વાવ રહેલી છે. આ વાવની રચના અગાઉ જોયેલી ધ્રાંગધ્રાની નાગાજીબાવાની વાવના જેવી જ છે. વાવના પ્રવેશથી કૂવાની પાછળની દીવાલ સુધીની કુલ લંબાઈ 56 મીટરની છે. લંબાઈના પ્રમાણમાં પગથિયાના ઉતરાણમાં વચ્ચે ચાર ઓટલા કે ચોક કે પથરાળ જેવું બાંધકામ આવે છે, જેની ઉપર જમીન બહારની બાજુ પેવેલિયન જેવું બાંધકામ કરવામાં આવેલું છે. પગથિયાંનો પ્રવેશ જમીનથી એક મીટર ઊંચે એક ઓટલા ઉપરથી થાય છે. આ ઓટલાની ત્રણે બાજુ ચડવા માટે થોડાં પગથિયાં છે, જ્યારે ચોથી બાજુએથી વાવમાં ઊતરવાનાં પગથિયાં છે. આ પ્રવેશ ઓટલો ચાર મીટર લાંબો, જ્યારે વાવનાં પગથિયા જેટલો પહોળોે છે. આમ આ વાવ નંદા પ્રકારની વાવમાં આવે છે, જેમાં વાવમાં ઊતરવા માટે એક જ પ્રવેશ હોય છે.


વાવનાં પગથિયા એકસરખી પહોળાઈના કૂવા સુધી રહે છે. પગથિયાંની બાજુની દીવાલો સખત પથ્થરો ગોઠવીને બનાવેલી છે. જમીન ઉપરના ફૂટ કે ટાવર ચોરસ અને બિલકુલ સાદા છે. ચાર ફૂટ આ રીતે જમીન ઉપર છે, જ્યારે પાંચમો ફૂટ કૂવાના થાળા ઉપર છે, જ્યાં છેક નીચે ઊતરવાની નિસરણી બનાવેલી છે. સમગ્ર વાવમાં પગથિયાંની દીવાલો કે ફૂટ ઉપર કોતરણી જોવા મળતી નથી.
વાવના બાંધકામનો ચોક્કસ સમય જાણવા મળતો નથી.


બ્રહ્માની વાવ – ખેડબ્રહ્મા
સ્થાનઃ ખેડબ્રહ્મા એ સાબરકાંઠા જિલ્લાનું અગત્યનું તાલુકામથક છે. અહીં આવેલા બ્રહ્માના મંદિરને કારણે ખેડબ્રહ્મા ખૂબ જ જાણીતું છે. મંદિરની સામે જ આ વાવ આવેલી છે, જેને બ્રહ્માની વાવ તરીકે ઓળખવામાં આવે છે. અહીંનું બ્રહ્માનું મંદિર 11મી સદીના અંતમાં બંધાયેલું છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ ખેડબ્રહ્મામાં રહેલું પંખેશ્વર મહાદેવ 11મી સદીમાં બંધાયેલું છે, જે તેના ઉપરના લખાણ પરથી કહી શકાય છે. અન્ય એક અંબિકા માતાનું મંદિર પણ 11મી સદીમાં બંધાયેલું છે, જે તેની બાંધકામ શૈલી ઉપરથી નક્કી થાય છે. બ્રહ્માજીનું મંદિર 11મી સદીના અંતમાં બંધાયેલું છે, જ્યારે બ્રહ્માની વાવ 14મી સદીમાં બંધાયેલી છે.
આ દેશ અગાઉ ભીલ રાજા તારસંગના શાસન હેઠળ હતો, જેને માળવાના પરમારોએ હરાવી સત્તા લીધી. પછીથી તે પાટણના ચૌલુક્ય વંશની સત્તા હેઠળ આવ્યું. ત્યાર પછી પરિહાર રાજપૂતોની સત્તા હેઠળ રહ્યું અને એ પછી ઈડર રાજ્યની સત્તા હેઠળ રહ્યું જે બ્રિટિશ સલ્તનત હેઠળ પણ ઇડર રાજ્ય હેઠળ રહૃાું.
સ્થાપત્યઃ સમગ્ર વાવ ગ્રે રંગના ગ્રેનાઇટના ખડકોમાંથી બનાવવામાં આવેલી છે. વાવ, પૂર્વ-પશ્ચિમ દિશામાં ખોદાયેલી છે, જેમાં પ્રવેશ પૂર્વ દિશાથી છે અને કૂવો પશ્ચિમ દિશામાં છે. કુલ 38.10 મીટર લંબાઈની વાવમાં પગથિયાં કુલ 30 મીટર લંબાઈ સુધી ફેલાયેલાં છે. પગથિયા નીચે કૂવા તરફ ઊતરતાં જઈએ તેમ સાંકડાં થતાં જાય છે. વાવમાં કુલ ચાર મંડપ (ફૂટ) છે, જેમાંથી ચોથો મંડપ કૂવા સાથે સંકળાયેલો છે. પહોળાઈ 8.50 મીટર છે. જ્યારે પેરાપીટ દીવાલો સિવાય પ્રવેશે 6.60 મીટરની છે. કૂવાના વચ્ચેના શાફ્ટની સપાટી ઉપર ઝીણી કોતરણી કરવામાં આવેલી છે. આ શૈલી તેની 14મી સદીની બાંધકામની તારીખ સૂચવે છે. વાવમાં કુલ 27 ગોખલા છે, જેમાં કોઈ મૂર્તિ નથી, ફકત સુશોભન માટે ખાલી ગોખ બનાવેલા છે. જાળવણીના અભાવે અત્યારે તે ખંડેર હાલતમાં છે, જેને રિપેરિંગની જરૂરિયાત છે. વાવની બાજુની દીવાલોને અડીને ખાનગી ઊંચાં રહેઠાણો બંધાયેલાં છે તેમ જ કૂવા ઉપર જમીનથી જાળી ઢાંકવામાં આવેલી છે.
વાવનું અગત્યનું પાસું એ છે કે કૂવાની અંદરની દીવાલ ઉપર શિખરવાળાં અસંખ્ય મંદિરોની કોતરણી કરવામાં આવેલી તેમ જ તેની નીચે ખાલી ગોખલાઓ મૂકવામાં આવેલા છે, જે ખૂબ સુંદર દેખાય છે.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.