ભારતીય સેનાની તાકાતમાં વધારો, સ્વદેશી ડ્રોન ‘અભ્યાસ’નું સફળ પરીક્ષણ

 

નવી દિલ્હીઃ ભારતીય સેનાને એક નવી તાકાત મળી છે. ભારતે અભ્યાસ ફાઈટર ડ્રોનનું ઓડિશાના બાલાસોરમાં સફળ પરીક્ષણ કર્યું છે. DRDOએ અભ્યાસ-હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટનો ફ્લાઈટ ટેસ્ટ મંગળવારે કર્યો હતો. આના લીધે ભારતીય સશસ્ત્ર દળોને અભ્યાસ ફાઈટર ડ્રોનનો ખુબ લાભ મળશે. 

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભ્યાસના સફળ ઉડાન પરીક્ષણને મોટી સફળતા ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે DRDOએ મંગળવારે ITR બાલાસોરથી અભ્યાસ-હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટના સફળ ઉડાન પરીક્ષણની સાથે એક માઈલ સ્ટોન પાર કર્યો છે. તેનો ઉપયોગ વિભિન્ન મિસાઈલ પ્રણાલીઓના મૂલ્યાંકન માટે એક લક્ષ્ય તરીકે થઈ શકે છે. આ ઉપલબ્ધિ બદલ DRDO અને તેની સાથે જોડાયેલા લોકોને શુભેચ્છાઓ. 

અભ્યાસને DRDO એરોનોટિક્સ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) દ્વારા ડિઝાઈન અને વિક્સિત કરવામાં આવેલું છે. તેને ટ્વિન અંડરસ્લેંગ બૂસ્ટરનો ઉપયોગ કરીને લોન્ચ કરાયું છે. DRDOએ અભ્યાસને એક ઈન લાઈન નાના ગેસ ટર્બાઈન એન્જિન પર ડિઝાઈન કર્યું છે. આ ડિવાઈસ સ્વદેશી રીતે વિક્સીત માઈક્રો-ઈલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમ આધારિત પ્રણાલી છે. તેનો પ્રયોગ નેવિગેશન માટે કરાય છે. DRDOએ તેને ખાસ પ્રકારે ડિઝાઈન કર્યુ છે. સમગ્ર માળખામાં પાંચ મુખ્ય ભાગ છે જેમાં નોઝ કોન, ઈક્વિપમેન્ટ બે, ઈંધણ ટેન્ક, હવા પાસ થવા માટે એર ઈન્ટેક બે અને ટેલ કોન છે. 

અભ્યાસ ડ્રોન એક નાના ગેસ ટર્બાઈન એન્જિન પર કામ કરે છે. તે એમઈએમએસ નેવિગેશન સિસ્ટમ અને ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટરના સહારે ચાલે છે. અભ્યાસને સંપૂર્ણ રીતે સ્વાયત્ત ઉડાન માટે તૈયાર કરાયું છે. 

અભ્યાસ ડ્રોનમાં ઈપીઈથી બનેલું પરિવહન અને ભંડાર માટે બોક્સ છે. તેની અંદર એક ક્રોસ-લિંક પોલિએથલીન ફોમ સામગ્રી છે. તેના પર હવામાન, પાણીના ટીપા, અને કંપનની કોઈ અસર થતી નથી. 

અભ્યાસના રડાર ક્રોસ-સેક્શન અને વિઝ્યુઅલ ઈન્ફ્રારેડ સિગ્નેચરનો ઉપયોગ વિભિન્ન પ્રકારના વિમાનો અને હવાઈ સુરક્ષા ઉપકરણોમાં કરી શકાય છે. આ જામર પ્લેટફોર્મ અને ડિકોય તરીકે પણ કાર્ય કરી શકે છે.