ન્યુ યોર્કઃ ભારતીય અમેરિકનો પોતાનાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને વારસાનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શીખવાડવા કમર કસી રહ્યા છે ત્યારે હવે ન્યુ જર્સીની હાઈ સ્કૂલનાં બે બાળકોએ આ કામગીરી સરળ બનાવી છે. સિનિયર નિકિતા-નિક્કી મહેન્દ્રુ અને તેના ભાઈ વિક્રમ મહેન્દ્રુ મિલબર્નમાં મિલબર્ન હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમણે ઓનલાઇન પ્લેટફોર્મ વેબસાઇટ રૂરૂરૂ.સ્ર્દ્દંશ્વક્કણૂત્ર્્ીદ્દદ્દફૂશ્વ.ણૂૃંની રચના કરી છે, જેમાં તેઓએ વિવિધ વિડિયો પોસ્ટ કર્યા છે, જે બાળકોને સ્ટોરીટેલિંગ-વાર્તાકથન દ્વારા ભારતીય પૌરાણિક કથાઓની પાયાની વાતો શીખવે છે.
નિક્કીએ પોતાના ફોન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ વેબસાઇટમાં ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ વિશે વિવિધ પારદર્શી વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. નિક્કીએ જણાવ્યું કે સ્ટોરીચેટર વેબસાઇટ મનોરંજનનું માધ્યમ છે, જે એક વિડિયોના 0.99 ડોલર અથવા એક માસના 2.99 લવાજમ ઉઘરાવે છે, જેમાંથી ઉપજનારી કુલ રકમમાંથી 50 ટકા રકમ ભારતમાં ચેરિટી સંસ્થાઓને આપવામાં આવશે, જ્યારે અન્ય 50 ટકા રકમ નવા વિડિયો બનાવવામાં વપરાશે.
જોકે આ વેબસાઇટના નિર્માણ કરતાં આ ભાઈ-બહેનને ત્રણ વર્ષનો સમય થયો હતો.
નિક્કીએ જણાવ્યું હતું કે અમે ભારતના વિડિયો આર્ટિસ્ટનો સંપર્ક કર્યો હતો, જેમણે એનિમેશન બનાવ્યું હતું, અમારા વોઇઝ ઓવરને રેકોર્ડ કર્યો હતો અને સ્ટોરીટેલિંગની મૂળ સ્ક્રિપ્ટ લખી હતી, જેના થકી હું અને વિક્રમ બાળકોને વાર્તાના મૂળ સુધી લઈ જઈ શકીએ છીએ. અમે આ વિડિયો એનિમેશન વાસ્તવિક લાગવા જોઈએ તેમ ઇચ્છતાં હતાં અને આ રીતે અમે એવી વ્યક્તિ સાથે કામ કરવા માગતા હતા, જેણે ખરેખર ભારતની સંસ્કૃતિને ઓળખી હોય.
2013માં આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી નિક્કી અને વિક્રમે 2016માં વેબસાઇટ લોન્ચ કરી હતી.
નિક્કીએ જણાવ્યું હતું કે જ્યારે અમારાં દાદા-દાદી કે નાનાં-નાની ભારતથી આવતાં હતાં, ત્યારે અમે સ્કૂલેથી પાછાં આવીએ ત્યારે અમને રામ, હનુમાન સહિતની ઘણી બધી પૌરાણિક કથાઓ કહેતાં હતાં, પરંતુ અમારાં દાદા-દાદી કે નાના-નાની ભારત પરત ગયાં ત્યારે અમે જાણે અમારી ઓળખ ગુમાવી દીધી હોય તેમ લાગતું હતું. અમને પુસ્તકો ગમે છે, પરંતુ તેઓ અમારી કલ્પનાશક્તિને બંધબેસતાં નહોતાં, આથી અમે ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો. વિક્રમે એપ વિકસાવી હતી, જેથી બાળકોને જ્યારે અને જે જોઈએ તે મેળવી શકે છે.
નિક્કીએ કહ્યું કે તે ભવિષ્યમાં સ્ટોરીચેટરને વિકસાવવા માગે છે, આ વાર્તાઓ ફક્ત ભારતીય અમેરિકનો માટે નહિ, દરેક જણ માટે છે. હું તમામ સંસ્કૃતિ અને પ્રદેશોને ઉજાગર કરવા માગું છું.
નિક્કી આગામી વર્ષે અર્થશાસ્ત્રના વધુ અભ્યાસ માટે ડ્યુક યુનિવર્સિટીમાં જશે. આ ભાઈ-બહેન અભ્યાસ ઉપરાંત શાળાકીય પ્રવૃત્તિઓ, જેવી કે રનિંગ ક્રોસ કન્ટ્રી ટ્રેક, મોડેલ યુએન, રોબોટિકસ, ડિબેટ ક્લબમાં સક્રિય છે.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)