ભારતીય સંસ્કૃતિ, ઋષિકાલીન શિક્ષણ પરંપરાનું સ્થાપન કરતા ઉત્તમચંદ જવાનમલજી શાહ

ભારત એ ઋષિપ્રધાન દેશ છે. ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા, સદાચાર અને કરુણા એ પ્રત્યેક દેશવાસીના હૃદયમાં છે. પ્રાચીન યુગમાં રાજ્યસત્તા ઉપર ધર્મસત્તાનું વિશિષ્ટ આધિપત્ય હતું. રાજ્ય સંવાહકો, શાસનકર્તાઓ, ઋષિમુનિઓ, ધર્માચાર્યો, સંતો, મહંતોના આદેશ અનુસાર રાજ્ય કક્ષાનું સંચાલન કરતા. સૌ પ્રજાજનો સુખી હતા. સર્વે જનાઃ સુખીનો સન્તુંનો યુગ-સમય હતો. વિશ્વના ઇતિહાસમાં ભારત હિન્દુસ્તાનની એક અલાયદી આગવી પ્રતિભા હતા. ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી ભારતની ભવ્યતાની અજર-અમર નોંધ છે.
સમયનો પ્રવાહ, કાળની ગતિ, એ અવિરત છે. ભવ્યતા ભૂતકાળમાં દટાઈ ગઈ. અંગ્રેજોના શાસને ભારતની ધાર્મિકતા, સદાચાર, પ્રામાણિકતા, કલાઓ વગેરેનો સર્વનાશ કર્યો. અંગ્રેજ શાસક મેકોલેએ તો આપણી દિવ્ય જ્ઞાનપરંપરા, શિક્ષણ પરંપરા, નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો, પાઠશાળાઓ વગેરેનો મહાવિનાશ કર્યો. મેકોલેએ શિક્ષણ પરંપરા એ ભારતીય શિક્ષણપ્રથા, સંસ્કૃતિ, ધાર્મિકતાનો ઉલ્કાપાત-મહાપ્રલય સર્જ્યો
સંયુક્ત કુટુંબના વિભાજન, ગરીબાઈ, કુપોષણ, ભૂખમરો, બેકારી, ભ્રષ્ટાચાર, અનીતિ, પાપકર્મો, પશુઓની હિંસા, માંસાહાર, મદિરા, વ્યસન, ગંભીર રોગો, હતાશા, ગ્રામ્ય જીવનનો વિનાશ, યંત્રવાદ આ બધી પાશ્ચત્ય સંસ્કૃતિની ઊપજ છે. આ સદીનો આ વિકાસ કે વિનાશ? દેશનાં તેજ ઝંખવાયાં છે. સર્વત્ર નિરાશા-હતાશાનાં વાદળો છવાયેલાં છે.
સા વિદ્યા યા વિમુક્ત યે કે અસતો મા સદ્ગમય શાળાની દીવાલની શોભા બની ગઈ છે. અમલીકરણ માટે તો યોજનો દૂરની સફર છે. આવા સંખ્યા પ્રસંગો છે. આઝાદી મળ્યા પછી કેટલીક ગૌરવપ્રદ ઘટનાઓ ઘટી છે. કેટલાય સમાજસેવકોએ, શિક્ષણવિદોએ શિક્ષણ, સામાજિક સેવાઓના ભગીરથ પ્રયત્નો કર્યા છે. એવા સંસારી ગૃહસ્થ, અર્વાચીન યુગદષ્ટા જેવા ઉત્તમચંદ જવાનમલજી શાહની કાર્યકરણીની હકીકત જણાવવી જરૂરી છે. રાજસ્થાનના બેડા ગામના ગર્ભશ્રીમંત સંસ્કારી જૈન પરિવારમાં જન્મ. ગળથૂથીમાંથી જ ધર્મ, સેવા, શિક્ષણના સંસ્કારો માતા-પિતા પાસેથી મળ્યા. સમયાવકાશે ધંધાર્થે આ પરિવાર સુરત જિલ્લાના કીમ ગામમાં નિવાસી બન્યો.
શુભ ઘડીમાં થયેલા નામકરણ સંસ્કાર વિધિ મુજબ ઉત્તમચંદના નામમાં ઉત્તમ ગુણો સ્વયં વિકસવા લાગ્યા. શાળાકીય અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકેની પ્રતિભા, એસએસસી બોર્ડની પરીક્ષાના કેન્દ્રમાં પ્રથમ સ્થાને આવ્યા. તત્કાલીન સમયપ્રવાહે ડોક્ટર બનવાની મહેચ્છા જાગી. ધર્મનિષ્ઠ પિતાને આ વ્યવસાય ધર્મવિમુખ લાગ્યો. પિતાની આજ્ઞાને શિરોમાન્ય ગણી, સ્વેચ્છાએ જ શાળા અભ્યાસને તિલાંજલિ આપી. પિતાના વ્યવસાયમાં જોડાઈને હમસફર હમદર્દ બન્યા. પૈતૃક વ્યવસાયની સાથોસાથ ધર્મ અને સામાજિક સેવાનાં કાર્યો શરૂ કર્યાં.
સામાજિક ક્ષેત્રે પ્રવેશઃ યુવા વયે જ કૌટુંબિક સંસ્કારોના વારસામાં મળેલા દયા, કરુણા, સદાચાર, પ્રામાણિકતા, વગેરે ગુણો સાકાર થયાં. કીમ ગામ કર્મભૂમિમાં જ સમવયસ્ક મિત્રો સાથે મળીને ગ્રામ્ય સુધારણા, આરોગ્ય, શિક્ષણ, ઉત્સવો વગેરે સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા કીમ યુવક મંડળની સ્થાપના કરી. સૌએ તેમને પ્રમુખ બનાવ્યા. આમ ગ્રામ્ય સેવાયજ્ઞનો પ્રારંભ થયો. વાચનશોખ અને જિજ્ઞાસાનું વિસ્તૃતીકરણ આરંભાયું. પુસ્તકાલય, જ્ઞાનભંડારની મુલાકાતો વધી ગઈ. સંતો, મહંતોનાં પુસ્તકોની વાંચનયાત્રા આરંભાઈ. ઉત્તમભાઈનું જીવનઘડતર-ચણતર કંઈ અનોખી અદાથી શરૂ થયું. જૈનકુળ જન્મયોગે પીડિતો, દીન, દુખિયાના પ્રતિનિધિ બની સમાજસેવા અને પરોપકારનાં કાર્યો શરૂ કર્યાં.
દૈવયોગથી સત્કાર્યોની ઇચ્છાપૂર્તિનો ઉદય થયો. 28 વરસની ઉંમરે ગ્રામ્ય જનોએ સરપંચ તરીકે પોંખ્યા. ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય જનોની સુખાકારી, સવલતો, સુવિધાઓ આ યુવા સરપંચે વિકસાવી. ગ્રામ્ય જનોનો નિઃસ્વાર્થ પ્રેમ ઉત્તમભાઈની મૂડી બની રહ્યો. ગામની જરૂરિયાતો પૂર્ણ થવા લાગી. હાઈ સ્કૂલ, કોલેજમાં મુખ્ય ટ્રસ્ટી, મંત્રી, પ્રમુખ વગેરે સ્થાનોમાં ગોઠવાતા ગયા. આરોગ્ય અને તબીબી સારવાર માટે કોલેજમાં સાધના કોટેજ હોસ્પિટલ કુટીરથી સેવાની નવી કેડી કંડારી. ગુજરાત સરકારના મંત્રી લીલાધરભાઈ વાઘેલાના હસ્તે શ્રેષ્ઠ ગ્રામપંચાયત’નો એવોર્ડ આ યુવા સરપંચ ઉત્તમભાઈના સમયમાં પ્રાપ્ત થયો. ગામ હરખાયું, સૌએ કર્તવ્યનિષ્ઠ પ્રામાણિકતાનો ચમત્કાર જોયો.
પરંતુ… પરંતુ, આ હરખથી ઉત્તમભાઈ ના પામ્યા. તેમના આંતરમનમાં તો બીજું જ કંઈક વિચારયુદ્ધ ચાલતું હતું. હવે મારે કંઈક જુદું જ કરવું છે. આ દેશની દુર્દશા, ગ્રામજીવનની ઉપેક્ષા, ધર્મ, નીતિ, શિક્ષણ સદાચારની અવગતિથી બચાવવા મારું શું કર્તવ્ય? આ યક્ષપ્રશ્ન થયો.
જ્યાં લગી આત્મતત્ત્વ ચિહ્નાયો નહિ,
ત્યાં લગી સાધના સર્જ જુઠ્ઠી
આ ધ્રુવપંક્તિનું રટણ થયું. જાતનો અભ્યાસ શરૂ કર્યો. જાત ભણીની જાત્રા શરૂ થઈ.
વિચારોના તરંગો શરૂ થયા.
શિક્ષણ-જ્ઞાન કેવું? જેની પ્રાપ્તિથી શરીરનું સુખ પ્રાપ્ત થાય. મનની શાંતિ થાય. ઓજસ-પ્રજ્ઞા વિસ્તરે તે જ સાચું શિક્ષણ. આમાંનું પ્રવર્તમાન શિક્ષણમાં તો કશુંય નથી. તેવી સમજ પ્રબળ બની અને સાચું શિક્ષણ તો અંગ્રેજીકરણથી પરાજિત થયું છે. સાચી દિશા અને સાચી સમજનો દુષ્કાળ અભાવ છે. પોતે ડૂબ્યા વિના ઊંડાઈનો તાગ મેળવી નહિ શકાય. આથી લાંબા મનોમંથન પછી નક્કી કર્યું કે ના, હવે તો હદ થઈ. આ સર્વવિનાશનાં મૂળ-ઊધઈ આ મેકોલે શિક્ષણમાં જ છે. મહાસંગ્રામ માટે સજી-ધજીને આ વિનાશકારી શિક્ષણ સામે જંગે ચઢવાનો દઢ સંકલ્પ કર્યો.
કર્મનો પ્રારંભ થયો, પરિણામની અપેક્ષા નહિ. એક નાનકડા કોડિયાની જ્યોત પ્રગટાવી. આધુનિક શિક્ષણના ફાટેલા આકાશમાં ઘરનાં જ સોય-દોરાથી થીંગડું મારવાની વૃત્તિ પ્રબળ બનાવી. ગુરુભગવંતો અને ઋષિઓના આશીર્વાદની હોડી બનાવી રેતીના સમંદરમાં વહાણ ચલાવવા મનસૂબા કર્યા. ગાંધીજીના આદર્શો અને પ્રયોગભૂમિ અમદાવાદ. ગાંધીજીની તપોભૂમિ સાબરમતી આશ્રમ.
આથી જ આ સંગ્રામના શ્રીગણેશ અમદાવાદ સાબરમતીથી જ. સહપરિવાર કીમથી કર્ણાવતી (અમદાવાદ) સ્થળાંતર થયા. સાબરમતીની સિદ્ધચલ વાટિકાથી મંગલાચરણ, પ્રારંભ. સંસ્કારી માણસ બનાવવા સારા સંસ્કારોનું વાવેતર જરૂરી છે.આવી સમજ વિકસી.
કોઈ પણ ભોગે આ શિક્ષણ તો નહિ જ. પોતાનાં અને પરિવારનાં 11 બાળકોના અભ્યાસ શાળાઓમાંથી છોડાવ્યા. ઘરમાં જ શિક્ષણની વ્યવસ્થા ગોઠવી અને ઘર ઘરશાળા બન્યું. વિકાસની કેડીઓ કંડારાવા લાગી. સૌના શુભાશિષો ફળ્યા.
આ નો ભદ્રા ઋતવા યન્તુ વિશ્વતઃ
દશે દિશાઓમાંથી શુભત્વ સાંપડ્યું.
સન 2008ના વર્ષમાં એક એકર જમીનમાં ગુરુકુલમ્ ટ્રસ્ટ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા’નું નિર્માણ થયું. પુરુષોની 64 કળાની સઘન તાલીમ-શિક્ષણની વ્યવસ્થા ગોઠવાઈ. કોઈ પણ ડિગ્રી પ્રમાણપત્ર વગરની આ શાળા છે. કોઈ પણ ખર્ચ નહિ. સરકારી સહાય પણ નહિ. માણસને સુસંસ્કારી, રાષ્ટ્રભક્ત, ધાર્મિક, સદાચારી શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાના પ્રયત્નો આરંભાયા.
વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુંધરાની.
જેવા વિશ્વમાનવ બનાવતી આ સંસ્થા છે. મેકોલોપુત્રો નહિ, પણ મહર્ષિપુત્રોનું ઘડતર કરતી અદ્ભુત સંસ્થા છે. સંસ્થાની વિકાસયાત્રા લંબાતી જ જાય છે. 13થી આરંભાયેલી સંસ્થામાં અત્યાર સુધીમાં દેશનાં 15 રાજ્યોના 90 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવે છે. 400 જેટલી પ્રતીક્ષાયાદી છે. સંસ્થાના શિલ્પીસમા ઉત્તમભાઈનાં સપનાં સાકાર થતાં જાય છે. સ્વપ્નદષ્ટા ઉત્તમભાઈની અત્યારે વસંત છે.