ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન સન્માનજનકઃ સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે ઐતિહાસિક ચુકાદો આપતાં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ પરનો પ્રતિબંધ ગેરબંધારણીય ઠેરવ્યો હતો. આ સાથે જ હવે મંદિરના દ્વાર તમામ વયની મહિલાઓ માટે ખૂલી ગયાં છે, તેઓ મંદિરની અંદર દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન સન્માનજનક છે. અહીં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ નિર્ણય સંભળાવતાં જણાવ્યું કે ધર્મના નામે પુરુષપ્રધાન વિચારો યોગ્ય નથી. આ નિર્ણય 4-1ની બહુમતીથી લેવાયો છે. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ અલગ ચુકાદો આપ્યો હતો.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળ જસ્ટિસ આર. એફ. નરીમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એ જોગવાઈને પડકારવામાં આવી હતી, જેમાં માસિક ધર્મમાં આવતી 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો.
સમબરીમાલા મંદિરમાં સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રનને જણાવ્યું હતું કે મંદિરમાં મહિલાઓ પર પ્રવેશ પ્રતિબંધ એ રીતે છે જેમ દલિતો સાથે અસ્પૃશ્યતા હોય. કોર્ટ સલાહકારે જણાવ્યું કે અસ્પૃશ્યતા વિરુદ્ધ જે અધિકારો છે, તેમાં અપવિત્રતા પણ સામેલ છે. જો મહિલાઓ પર પ્રવેશને આ આધાર પર રોકવામાં આવે છે કે માસિક ધર્મના સમયે તેઓ અપવિત્ર હોય છે તો આ નિર્ણય પણ દલિતો સાથે અસ્પૃશ્યતાની જેમ છે.
ઉલ્લેખનીય છે કે બંધારણમાં અસ્પૃશ્યતા વિરુદ્ધ તમામને રક્ષણ મળેલું છે. ધર્મ, જાતિ, સમાજ અને લિંગ વગેરેના આધારે કોઈ સાથે ભેદભાવ કરી શકાય નહિ. કેરળ હાઈ કોર્ટે અગાઉ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ પૂર્વે 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે અને માસિક ધર્મને લીધે મહિલાઓએ આનું પાલન કરી શકતી નથી. સુનાવણી દરમિયાન કેરળ ત્રાવણકોર દેવસ્થાનમ બોર્ડ તરફથી રજૂ થયેલા સિનિયર વકીલ અભિષેક મનુસિંઘવીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં અયપ્પાનાં હજારો મંદિરો છે, ત્યાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સબરીમાલામાં બ્રહ્મચારી દેવ છે અને તેને લીધે નિર્ધારિત કરેલી ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ કોઈની સાથે ભેદભાવ નથી કે જાતિગત મતભેદનો મુદ્દો પણ નથી.